ખંભાત રોહિણીમાં કરંટ લાગતા યુવકનું મોત, કટર મશીન સાફ કરતી વખતે દુર્ઘટના
ખંભાત તાલુકાના રોહિણી ગામે કટર મશીનની સફાઈ કરી રહેલા 30 વર્ષીય યુવકનું વીજ કરંટ લાગવાથી મોત નીપજ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજસ્થાનનો 30 વર્ષીય રવિન્દ્રકુમાર રાણારામ મજૂરીકામ અર્થે ખંભાત તાલુકાના રોહિણી ગામે આવ્યો હતો. તે ડાંગર કાપવાના કટર મશીનની સફાઈ કરી રહ્યો હતો ત્યારે તેનો હાથ વીજ લાઈનને અડી ગયો હતો. જેના કારણે તેને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને તે ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો.
આસપાસના ખેતમજૂરો અને સ્થાનિકોને જાણ થતાં તેઓ તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકને તાત્કાલિક ખંભાતની રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ખંભાત ગ્રામ્ય પોલીસે આ બનાવ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.