ખંભાત પોલીસે ચાર વર્ષથી નાસતા ફરતા : ફરાર “ડેની કાકા” પકડાયો
ખંભાત ગ્રામ્ય પોલીસે ચાર વર્ષથી નાસતા ફરતા એક આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી યુસુફ ઉર્ફે ડેની ઉર્ફે ડેનીકાકા અહેમદભાઈ પટેલ વડોદરાનો રહેવાસી છે. તેના વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસને મળેલી બાતમીના આધારે, આરોપીને ધોળીકુઇ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલા આરોપી યુસુફ ઉર્ફે ડેની વિરુદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે બે, વિદ્યાનગર પોલીસ મથકે એક અને નડિયાદ ગ્રામ્ય પોલીસ મથકે વિશ્વાસઘાત તથા છેતરપિંડીના ગુનાઓ નોંધાયા છે. તે વર્ષ 2021થી આ ગુનાઓમાં નાસતો ફરતો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ગેંગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો પાસેથી આઇશર ટ્રેક્ટરો ગીરો લઈ તેના પર રકમ ચઢાવી દેતી હતી. ત્યારબાદ આ ટ્રેક્ટરોને અન્ય વ્યક્તિઓને ગીરો આપી સગેવગે કરી દેવામાં આવતા હતા. આ કેસમાં અગાઉ છ શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીની પૂછપરછમાં વધુ નામો ખુલે તેવી શક્યતા છે, જેને પગલે પોલીસે તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.