Advertisement

ખંભાત કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ધી કેમ્બે હિન્દુ મર્ચન્ટ બેંક કૌભાંડમાં 2 બેંક અધિકારીઓને 5-5 વર્ષની કેદ, દંડ અને વળતર ચૂકવવાનો આદેશ

ખંભાત કોર્ટનો સીમાચિહ્નરૂપ ચુકાદો: ધી કેમ્બે હિન્દુ મર્ચન્ટ બેંક કૌભાંડમાં 2 બેંક અધિકારીઓને 5-5 વર્ષની કેદ, દંડ અને વળતર ચૂકવવાનો આદેશ

ખંભાતની ધી કેમ્બે હિન્દુ મર્ચન્ટ કો. ઓપરેટીવ બેંક લિ.માં રૂ. 2.28 કરોડથી વધુના નાણાકીય કૌભાંડમાં કોર્ટે ચુકાદો આપ્યો છે. બેંકના પૂર્વ એકાઉન્ટન્ટ દિલીપકુમાર શાહ અને લોન ઓફિસર જયેશભાઈ શાહને ઉચાપતના કેસમાં 5-5 વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ કૌભાંડ 2003 થી 2006 દરમિયાન આચરવામાં આવ્યું હતું.

ખંભાતના રહેવાસી દિલીપકુમાર જીતેન્દ્રકુમાર શાહ, જેઓ 1 એપ્રિલ 2003 થી 8 ફેબ્રુઆરી 2006 દરમિયાન એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હતા, તેમણે 47 સભાસદોના ખાતામાં ખોટી નોંધો કરીને રૂ. 19,00,635ની ઉચાપત કરી હતી. તેમણે 12 ખાતામાં લેઝરમાં નોંધ કર્યા વિના રૂ. 12,00,372નો ઉપાડ કર્યો હતો અને 11 ખાતેદારોના ખાતામાં વધુ બેલેન્સ દર્શાવી રૂ. 85,400,66નો ઉપાડ કરાવ્યો હતો.

આ ઉપરાંત, દિલીપકુમાર શાહે ત્રણ ખાતેદારોના ખાતામાં જમા રકમમાં આંકડા ઉમેરી રૂ. 1.60 લાખનો ઉપાડ કરાવ્યો હતો. તેમણે પોતાના સગા-સંબંધીઓના 9 ખાતામાં ડે બુકમાં જમા ન હોવા છતાં નાણાં જમા દર્શાવી રૂ. 2.28 લાખથી વધુ અને અન્ય રૂ. 1.35 લાખથી વધુ રકમ ઉપાડી હતી. કુલ મળીને, તેમણે પોતાના સગાઓના ખાતામાંથી રૂ. 15,44,287નો ઉપાડ કરાવી કુલ રૂ. 53,94,266.08ની કાયમી ઉચાપત કરી હતી.

લોન ઓફિસર જયેશભાઈ પ્રવિણચંદ્રભાઈ શાહ, ખંભાતના રહેવાસી, તેમણે પોતાની ફરજ દરમિયાન 9 સભાસદોના બચત ખાતામાંથી રૂ. 2,59,676ની ઉચાપત કરી હતી. એક ખાતામાં પાંચ હજાર વધુ બેલેન્સ લખીને પણ નાણાકીય ગેરરીતિ આચરી હતી. તેમણે 22 બચત ખાતાઓમાં વાસ્તવિક બેલેન્સ કરતાં વધુ બેલેન્સ ચોપડે દર્શાવી કુલ રૂ. 4.65 લાખથી વધુની ઉચાપત કરી હતી.

આ કૌભાંડમાં બેંકના મેનેજર અનિલકુમાર, ક્લાર્ક કમ કેશિયર ઉર્મિશ અને ક્લાર્ક કમ કેશિયર સંદિપસિંહ સિણોલ પણ સામેલ હતા. મેનેજર અનિલકુમારે વકીલ શશિકાંતને રોકીને કોરા વાઉચરો પર સહીઓ લઈને રૂ. 1,34,37,010ની વકીલ ફી અને રિકવરી માટે રાખેલા અબ્દુલવાહીદને રૂ. 10,18,100 ચૂકવીને કુલ રૂ. 1,34,15,110ની ઉચાપત કરી હતી.

ક્લાર્ક કમ કેશિયર ઉર્મિશે 34 ખાતામાં ખોટી નોંધો કરીને રૂ. 16,12,307 અને ચાર ખાતેદારોના ખાતામાં જમા કરતાં વધુ નોંધ કરીને રૂ. 23,700ની ઉચાપત કરી હતી. તેણે એક ખાતામાં રકમની આગળ '10' લખી રૂ. 10,000 અને ભાઈ-ભાભી તથા મિત્રના ચાર ખાતામાં જમા કરતાં વધુ રકમ આપીને કુલ રૂ. 10,73,569 જાતે ઉપાડી લઈને કુલ રૂ. 35,22,353ની ઉચાપત કરી હતી. ક્લાર્ક કમ કેશિયર સંદિપસિંહ સિણોલે પોતાના પિતાના સંયુક્ત ખાતામાંથી જમા રકમ કરતાં વધુ રૂ. 55,923 ઉપાડી લીધા હતા.

Advertisement