Advertisement

ખંભાત નગરપાલિકાના 7 સભ્યોના રાજીનામા યથાવત્, કમિશનરે અપીલ ફગાવી

ખંભાત નગરપાલિકાના 7 સભ્યોના રાજીનામા યથાવત્, કમિશનરે અપીલ ફગાવી

ખંભાત નગરપાલિકાના 7 સભ્યો દ્વારા તેમના રાજીનામા પરત ખેંચવા માટે કરવામાં આવેલી અપીલને મ્યુનિસિપલ કમિશનર રેમ્યા મોહન દ્વારા ના-મંજૂર કરવામાં આવી છે. આ નિર્ણય સાથે, પ્રમુખ દ્વારા સ્વીકારવામાં આવેલા તેમના રાજીનામા કાયદેસર રીતે માન્ય રહેશે.


આ 7 સભ્યો – ઉષાબેન બારૈયા, નિશાદબાનુ મન્સૂરી, તેજલબેન સોલંકી, હેતલબેન લીલા, કામિનીબેન ગાંધી, જીતેન્દ્રકુમાર ખારવા અને શાંતિબેન માછી – એ ગત 25 નવેમ્બર, 2024 ના રોજ અંગત કારણોસર નગરપાલિકાના સભ્યપદેથી રાજીનામા આપ્યા હતા. જોકે, 4 ડિસેમ્બર, 2024 ના રોજ તેઓએ આ રાજીનામા પરત ખેંચવા માટે લેખિત રજૂઆત કરી હતી, જેના પર સુનાવણી પણ યોજાઈ હતી.


સભ્યોની દલીલ હતી કે તેઓએ 30 દિવસની સમયમર્યાદામાં રાજીનામા પરત ખેંચી લીધા હોવાથી તેઓ હજુ પણ સભ્ય તરીકે ચાલુ છે. જોકે, સત્તાધિકારીઓ દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ-35(5) હેઠળ આ અપીલની તપાસ કરવામાં આવી હતી. હુકમમાં જણાવવામાં આવ્યું છે કે, કલમ-35(3) મુજબ, જ્યારે કોઈ સભ્ય પ્રમુખને લેખિતમાં રાજીનામું આપે છે, ત્યારે તે પ્રમુખને મળે તે દિવસથી જ તેનો અમલ શરૂ થઈ જાય છે. રાજીનામું સ્વીકારવા માટે કોઈ અલગ મંજૂરી કે પ્રત્યુત્તરની જરૂર રહેતી નથી.


અધિનિયમમાં એકવાર આપેલું રાજીનામું પરત ખેંચવા અંગેની કોઈ સ્પષ્ટ જોગવાઈ સભ્યોના પક્ષમાં જોવા મળી નથી. વધુમાં, ચીફ ઓફિસરના અહેવાલ મુજબ, આ સભ્યોએ 28 માર્ચ, 2025 ની સામાન્ય સભામાં બળજબરીપૂર્વક ઘૂસીને અને હાજરી રજિસ્ટર છીનવીને ગેરશિસ્ત આચરી હતી, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.


સુનાવણી બાદ તમામ પક્ષોની રજૂઆતો અને પુરાવાઓ ધ્યાને લેતા, સક્ષમ અધિકારી રેમ્યા મોહને આદેશ કર્યો છે કે સભ્યો દ્વારા અપાયેલા રાજીનામા કાયદેસર છે અને તે પ્રમુખને મળતાની સાથે જ અમલી બની ગયા હતા. પરિણામે, તમામ 7 સભ્યોની અપીલ ના-મંજૂર કરવામાં આવે છે અને પ્રમુખ દ્વારા મંજુર કરાયેલા રાજીનામા કાયમ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

Advertisement