ખંભાતમાં ગૌમાંસ કેસ: 3 લાખની લાંચ લેનારા વચેટીયા ઝડપાયા, PSI રાઠોડ ફરાર
ખંભાતમાં ગૌમાંસનો કેસ રફેદફે કરવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી. ડી. રાઠોડ વતી 3 લાખની લાંચ લેનારા વચેટીયાને આણંદ એસીબીએ રંગેહાથ ઝડપી પાડવાના બનાવમાં પીએસઆઈ રાઠોડ હજુ પણ ફરાર છે. જ્યારે બીજી તરફ વચેટીયાએ તાજેતરમાં જ ખંભાત કોર્ટમાં જામીન અરજી મુકી હતી,જે કોર્ટે ફગાવી દીધી છે.
ખંભાતમાં ગત 27મી જુલાઈના રોજ ગૌમાંસના કેસમાં આરોપી ન બતાવવા અને વરઘોડો ન કાઢવા બદલ ગુનામાં તપાસ કરી રહેલા ખંભાતના પીએસઆઈ પી. ડી. રાઠોડે આરોપી પાસેથી રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. જોકે, પાછળથી રકઝકના અંતે આ રકમ ઘટાડીને ત્રણ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી હતી.
દરમિયાન, ગૌવંશમાં આરોપી અને એસીબીમાં ફરિયાદ કરનારો ઈસમ લાંચ આપવા માંગતા ન હોઈ તેમણે આણંદ એસીબીનો સંપર્ક કર્યો હતો. જ્યાં એસીબીએ લાલ દરવાજા વિસ્તારમાં આવેલી તાડછા હોટલ ખાતે ટ્રેપ ગોઠવી પીએસઆઈ વતી લાંચ લેવા આવેલા વચેટીયા મહોમ્મદ ઈમરાનને દબોચી લીધો હતો. જોકે, સમગ્ર બનાવમાં 27 દિવસ પછીય હજુ પીએસઆઈ ફરાર છે.પોલીસ દ્વારા તેના ગાંધીનગર સ્થિત ઠેકાણાં પર સતત વોચ રાખવામાં આવી રહી છે. ઉપરાંત, આણંદ જિલ્લા પોલીસ વડા, પરોલ ફર્લો સ્કવોડની ટીમને ફરાર પીએસઆઈની યાદી પણ મોકલવામાં આવી છે.
બીજી તરફ આ ગુનામાં ઝડપાયેલો વચેટીયા ઈમરાને ખંભાત સેશન્સ કોર્ટમાં જામીન મુક્યા હતા. પરંતુ હજુ પીએસઆઈ ફરાર હોઈ એ મુદ્દો ઉપરાંત ગુનામાં રકમ વધારે હોવાની સાથોસાથ તે રંગે હાથ પકડાયો હોય તે બાબત કોર્ટ સામે સરકારી વકીલે મૂકી હતી. બીજી તરફ પીએસઆઈ સાથેની તેની સાંઠગાંઠ સાબિત થઈ છે. વચેટીયાને જામીન મળશે તો તેવા કિસ્સામાં સમાજ પર પણ વિપરિત અસર પડશે, બીજા લોકો પણ પ્રેરાશે એ બાબત ધ્યાને રાખીને કોર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા.