કોલકાતા: પશ્ચિમ બંગાળની કોલકાતા પોલીસે એક એવી ચોર ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે. ગુજરાતના આણંદ જિલ્લાના ચાર શખ્સો કોલકાતામાં હિંદુ દેવી-દેવતાઓનો વેશ ધારણ કરી ભક્તોની આસ્થા સાથે ખીલવાડ કરતા હતા અને મોકો મળતા જ રાહદારીઓના પાકીટ તથા મોબાઈલની ચોરી કરતા હતા. કોલકાતાના જોરાસાંકો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ હાથ ધરી હેસ્ટિંગ્સ વિસ્તારમાંથી આ ટોળકીને દબોચી લીધી હતી.
દાન માંગવાના બહાને બનાવતા હતા નિશાન કોલકાતા પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ ઘટનાની વિગતો શેર કરતા જણાવ્યું હતું કે, ધરપકડ કરાયેલા શખ્સો ભગવાન શિવ અને માતા કાલી જેવા દેવી-દેવતાઓનો વેશ ધારણ કરતા હતા. તેઓ શહેરના વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ કે રોડ ક્રોસિંગ પર ઉભા રહેતા અને રાહદારીઓ પાસે દાન માંગવાના બહાને તેમને ધાર્મિક વાતોમાં ફસાવતા હતા. લોકો જ્યારે ભક્તિભાવમાં આવીને તેમને દાન આપતા, ત્યારે આ શખ્સો અત્યંત કુશળતાપૂર્વક નજર ચૂકવીને મોબાઈલ કે પાકીટ સેરવી લેતા અને ભીડમાં ગાયબ થઈ જતા હતા.
ગુજરાતના આણંદના ચાર શખ્સોની ધરપકડ પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓની ઓળખ અનિલ રામજુ સલાટ, ધીરુ કાલોભાઈ સલાટ, સમીરભાઈ સલાટ અને રાજુ કુમાર તરીકે થઈ છે. આ ચારેય શખ્સો ગુજરાતના આણંદ જિલ્લાના વતની હોવાનું ખુલ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી વિગતો પણ સામે આવી છે કે આ ગેંગ માત્ર કોલકાતા જ નહીં, પરંતુ દેશના અન્ય મોટા શહેરોમાં પણ આ પ્રકારે સક્રિય હતી અને લોકોની ધાર્મિક લાગણીઓનો ફાયદો ઉઠાવી ચોરીની ઘટનાઓને અંજામ આપતી હતી.
બીજા કેસની તપાસમાં ખૂલ્યું આણંદની ગેંગનું કનેક્શન આ ગેંગનો પર્દાફાશ એક અન્ય મોબાઈલ ચોરીના કેસની તપાસ દરમિયાન થયો હતો. ગિરીશ પાર્ક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કેસમાં પોલીસે મોહમ્મદ શાહનવાઝ અને મોહમ્મદ સમીરની ધરપકડ કરી હતી. તેમની પૂછપરછ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ આ આણંદની 'બહુરૂપી' ગેંગ સુધી પહોંચવામાં સફળ રહી હતી. હાલમાં પોલીસ આ ટોળકી સાથે સંકળાયેલા અન્ય કોઈ મોટા નેટવર્કની પણ તપાસ કરી રહી છે.