કોણ બનશે ગુજરાતના નવા ડીજીપી?: આજે ફેંસલો
રાજ્ય પોલીસવડા વિકાસ સહાય આજે વય નિવૃત થઇ રહ્યા છે ત્યારે આજે રાજ્યને નવા ડીજીપી મળે તેવી પ્રબળ શક્યતા છે. એકતરફ વિકાસ સહાયને હાલ એક્સટેંશન આપવામાં આવે અથવા તેમના સ્થાને રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નરને ત્રણેક માસ માટે ચાર્જ સોંપી દેવાય તેવી અટકળો છે. જયારે બીજી બાજુ રાજ્યને કાયમી ડીજીપી મળે તો અમદાવાદ પોલીસ કમિશ્નર જી એસ મલિક અને જેલ વડા કે એલ એન રાવનું નામ મોખરે ચાલી રહ્યું છે. નવા ડીજીપીની ઘોષણા આજે થઈ જશે. જો કે, જાહેરાત પૂર્વે પોલીસબેડામાં જબરું સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.
રાજ્યના પોલીસ વડા તરીકે 1 ફેબ્રુઆરી 2023ના રોજ ચાર્જ સંભાળ્યા બાદ આશરે અઢી વર્ષ સુધી સેવા આપ્યા પછી આજે વિકાસ સહાય વય નિવૃત થઈ રહ્યા છે. ત્યારે હવે નવા ડીજીપી કોણ બનશે તે અંગે જબરું સસ્પેન્સ અને અઢળક અટકળો વહેતી થઈ છે. એકતરફ એવુ મનાઈ રહ્યું છે કે, વિકાસ સહાયને વધુ ત્રણ કે છ માસનું એક્સટેંશન આપી દેવામાં આવશે. જયારે બીજી બાજુ એવુ પણ ચર્ચાઈ રહ્યું છે કે, એસએમસીએ સીઆઈડી ક્રાઇમ કચેરીમાં દરોડો પાડ્યા બાદ પોલીસ તંત્રમાં રહેલી ખેંચતાણ સપાટીએ આવતા વિકાસ સહાયને એક્સટેંશન આપવામાં આવશે નહિ.
હવે જો વિકાસ સહાયને ડીજીપી તરીકે એક્સટેંશન આપવામાં ન આવે તો સીનીયોરીટીના આધારે 1991 બેચના રાજકોટના તત્કાલીન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ત્રણ માસ માટે ડીજીપીનો ચાર્જ સોંપી કામ ચલાવી લેવામાં આવે તેવી પણ અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, મનોજ અગ્રવાલ પણ ચાલુ વર્ષે 30 સપ્ટેમ્બરના રોજ વય નિવૃત થઈ જનાર છે.
હવે જો કાયમી ડીજીપીની નિમણુંક તરફ નજર કરવામાં આવે તો હાલ બે અધિકારીઓના નામ સૌથી મોખરે ચાલી રહ્યા છે. જેમાં 1992 બેચના સિનિયર આઈપીએસ અને હાલ રાજ્ય જેલ વડા તરીકે સેવા આપી રહેલા ડો. કે.એલ.એન. રાવનું નામ ચર્ચામાં છે. ત્યારબાદ 1993 બેચના આઈપીએસ અમદાવાદ પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલિકનું નામ પર પણ મંજૂરીનો મહોર લાગી શકે તેમ છે. આ બે આઈપીએસ ઉપરાંત સિનિયોરીટીના આધારે 1991 બેચના આઈપીએસ શમશેરસિંઘ અને મહિલા આઈપીએસ અધિકારી એસએમસી વડા નીરજા ગોટરુંનું નામ પણ હાલ ડીજીપીની રેસમાં આગળ ચાલી રહ્યું છે.
ડીજીપીના નામની જાહેરાત બાદ આઈપીએસની બદલીનો આદેશ જાહેર કરાય તેવી વકી
આજે ડીજીપીના નામની જાહેરાત થયાં બાદ છેલ્લા ઘણા સમયથી પાછળ ઠેલાતી આઈપીએસની બદલી અંગે નિર્ણય જાહેર કરી શકાય તેમ છે તેવું ઉચ્ચ પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના 20 જેટલાં આઈપીએસ બદલીની રાહમાં છે ત્યારે ગત સપ્તાહે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહની ત્રણ દિવસનું ગુજરાત રોકાણ સૂચક છે કે, ટૂંકા સમયગાળામાં આઈપીએસની બદલીનો આદેશ થઈ શકે તેમ છે.