કંપનીના કામે આણંદ ખાતે આવેલા વડોદરાના યુવકે સહકર્મી યુવતીને કેફીપીણું પીવડાવી હોટલમાં તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લાં ત્રણેક વર્ષથી તેના દ્વારા તેનું જાતીય શોષણ કરવામાં આવતું હતું. જેને પગલે યુવતીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો. જોકે, કેટલાંય સમયથી લિવ ઈન રિલેશનશીપમાં રહેતો પરણિત યુવકે આખરે લગ્ન કરવાનો ઈન્કાર કરતાં ફરિયાદ નોંધાઇ છે.
વડોદરાના વારસીયા ખાતે રહેતો અશોક છગનલાલ રીનવાણી નામનો યુવક ખાનગી વીમા કંપનીમાં ફરજ બજાવતો હતો. તેની સાથે વડોદરાની 25 વર્ષીય યુવતી પણ કામ કરતી હતી. અશોક પરણિત છે, જ્યારે યુવતી અપરણિત છે. જોકે, સાથે કામ કરતી વેળાએ બંને એકબીજાના ગાઢ પરિચયમાં આવ્યા હતા. દરમિયાન, વર્ષ 2023માં કંપનીના કામ અર્થે બંને જણાં આણંદ ખાતે આવ્યા હતા. જ્યાં ટાઉનહોલ પાસેની એક હોટલમાં બંને જણા રોકાયા હતા. જ્યાં યુવકે તેને કેફી પીણું પીવડાવ્યું હતું અને યુવતીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, એ પછી આ સિલસિલો ચાલુ રહ્યો હતો. બંને જણાં અવાર-નવાર આણંદ ખાતે આવતા હતા અને યુવક તેણીની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.