કરમસદ-આણંદ મનપા દ્વારા દબાણકર્તા પાસેથી રૂપિયા 2.40 લાખનો દંડ વસૂલ કરાયો
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અને માર્ગદર્શન મુજબ મનપાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરનાર, ટ્રાફિકને અડચણરૂપ થનાર લારી ગલ્લા વાળા પાસેથી દંડની રકમ લેવાની ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી અંતર્ગત મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા વિધાનગર વિસ્તારમાં જાહેર રસ્તાઓ ઉપર દબાણ કરતા 48 એકમો સામે દંડનીય કાર્યવાહી કરતા વહીવટી ચાર્જ પેટે રૂ. 2,40,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.
મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મનપા વિસ્તારમાં લોકોને અડચણરૂપ થાય તે રીતે, જાહેર રસ્તા ઉપર ટ્રાફિક ની સમસ્યા ઉદભવે તેમ લારી ગલ્લાઓ ઊભા રાખવામાં આવશે તો કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે. જેથી મહાનગરપાલિકા વિસ્તારના લારી ગલ્લાવાળાઓ જાહેર રસ્તાઓ ઉપર લારી ગલ્લાઓ ન ઉભા રાખે તેમ પણ જણાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આણંદ મનપા જાહેર થયા બાદ છેલ્લા એક વર્ષથી શહેરને ટ્રાફિક જામથી મુક્ત કરવા એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી છે જેમાં જાહેર રસ્તા ઉપર તેમજ ભીડભાડવાળા સ્થળોએ આસપાસના દુકાનદારો તથા લારી- પાથરણાંવાળા દ્વારા દબાણો કરી દેવામાં આવતા હતા અને ફૂટપાથની જગ્યાઓ પણ સાંકડી બની ગઇ હતી, વળી આડેધડ પાર્કિંગના કારણે પણ રાહદારીઓને મુશ્કેલીઓ પડતી હતી. ઘણીવાર અકસ્માતો પણ સર્જાતા હતા. જોકે આ પ્રકારની કામગીરીથી હવે ટ્રાફિકમાં સરળતા રહેતા પ્રજાજનોને રાહત થવા પામી છે. દબાણ કરનારા વેપારીઓમાં પણ હવે દંડ વસૂલ કરવામાં આવતાં ફફડાટ ફેલાઇ ગયો છે.