કરમસદ-આણંદ મનપાની કડક કાર્યવાહી: 6 દુકાનો સીલ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગે બાકી વેરાની વસૂલાત માટે કડક કાર્યવાહી કરી છે. વેરો જમા ન કરાવતા 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે અન્ય 4 મિલકતધારકો પાસેથી સ્થળ પર જ ₹1.50 લાખનો વેરો વસૂલ કરાયો હતો. મનપાના ટેક્સ રિકવરી ટીમે રાજ શિવાલય સિનેમા પાસે આવેલા સિલ્વર પોઈન્ટ કોમ્પ્લેક્સમાં કાર્યવાહી કરી હતી. અહીં ₹56,415નો બાકી વેરો ભરવામાં ન આવતા 6 દુકાનોને સીલ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ટીમે અન્ય 4 મિલકતધારકો પાસેથી બાકી વેરા પેટે કુલ ₹1,50,000ની રકમ સ્થળ પર જ વસૂલ કરી હતી. મહાનગરપાલિકા દ્વારા અગાઉ બાકી વેરા માટે મિલકતધારકોને નોટિસ પણ પાઠવવામાં આવી હતી. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર એસ. કે. ગરવાલે મનપા વિસ્તારના તમામ મિલકતધારકોને સમયસર વેરો જમા કરાવવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, જો વેરો ભરપાઈ કરવામાં નહીં આવે તો ટેક્સ વિભાગની ટીમ દ્વારા આવા એકમોને સીલ કરવાની કાર્યવાહી ચાલુ રહેશે.