Advertisement

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો બુલડોઝર એક્શન, ટૂંકી ગલી પાસે 20 દુકાનો તોડી રસ્તો ખુલ્લો કર્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાનો બુલડોઝર એક્શન, ટૂંકી ગલી પાસે 20 દુકાનો તોડી રસ્તો ખુલ્લો કર્યો

 કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ટીપી સ્કીમ 1 માં મહાત્મા ગાંધી સર્કલ થી ટૂંકી ગલીના નાકા સુધી 15.24 મીટર, 50 ફૂટ, TP 1 ફાઇનલ પ્લોટ નંબર 109/1, 109/2, 108 પ્લોટ પૈકી રોડની કપાતમાં આવેલ બાંધકામ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી દુકાનો તોડી પાડવામાં આવી અને રસ્તો પહોળો કરવામાં આવ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે, કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ટીપી સ્કીમ નંબર 1 માંથી પસાર થતા 15.24 કિલોમીટરના ટીપી રોડ આણંદ ટૂંકી ગલી થી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર દુકાનદારો દ્વારા બાંધકામ કરેલ છે. જે બાંધકામ દબાણ કરેલું હોવાથી આ બાંધકામ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અંતર્ગત ગત તારીખ 18 મી ડિસેમ્બરના રોજ મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જેમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના કમિશનર  મિલિંદ બાપનાની સૂચના અને માર્ગદર્શન મુજબ મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થતાં મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા ટીમ સાથે પહોંચી જઈને ટીપી સ્કીમ 1ના રોડ પૈકીનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ રસ્તા ઉપર થી દરરોજ સરેરાશ 30,000 કરતાં વધુ લોકોની અવરજવર રહે છે. આ કામગીરી હજુ ચાલુ છે અને બીજા દબાણો પણ તબક્કાવાર દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવશે.


શહેરના સ્ટેશન રોડ વિસ્તાર પાસે આવેલી ટૂંકી ગલીને જોડતાં આ માર્ગ ઉપર કાચા-પાકા દબાણો વર્ષોથી ઉભા કરી દેવામાં આવ્યા હતાં. જ્યારે અવાર-નવાર અાજુબાજુના દુકાનદારો બહારના ભાગે દબાણો ખડકી દેતાં હોવાથી રાહદારીઓને તેમજ વાહનચાલકોને મૂશકેલીઓનો સામનો કરવો પડતો હતો. જેમાં હવે રસ્તો ખુલ્લો થતાં સરળતા વધશે.

 

Advertisement