Advertisement

કરમસદ-આણંદ ફાયર સ્ટેશન ખાતે ઉત્તરસંડા ITI ના વિદ્યાર્થીઓ માટે ‘ફાયર અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

કરમસદ-આણંદ ફાયર સ્ટેશન ખાતે ઉત્તરસંડા ITI ના વિદ્યાર્થીઓ માટે ‘ફાયર અવેરનેસ’ કાર્યક્રમ યોજાયો

આણંદ, બુધવાર ; વિદ્યાર્થીઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ આવે અને કટોકટીના સમયે તેઓ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરી શકે તેવા ઉમદા હેતુથી ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), ઉત્તરસંડાના વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (ITI), ઉત્તરસંડાના અંદાજે 60 જેટલા વિદ્યાર્થીઓએ કરમસદ-આણંદ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી હતી.


           આ દરમિયાન આણંદ ફાયર ઓફિસર શ્રી ધર્મેશ ગોરની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ આ તાલીમ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેમાં સબ ફાયર ઓફિસર વિશાલ સિંહ ડોડ, ફાયરમેન મુકેશ પરમાર તથા ફાયરમેન સતિશ બામણીયા દ્વારા વિદ્યાર્થીઓને આગ સામે રક્ષણ મેળવવાના વિવિધ ઉપાયો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.


         તાલીમ દરમિયાન વિદ્યાર્થીઓને ફાયર ફાઈટર વાહનો અને અત્યાધુનિક રેસ્ક્યુ સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ આગના પ્રકારો અને તે સમયે રાખવી પડતી સાવચેતીઓ તેમજ ફાયર બ્રિગેડની રોજબરોજની કામગીરીથી વિદ્યાર્થીઓને માહિતગાર કરી આગ લાગે ત્યારે ફાયર એક્સટિંગ્યુશર (અગ્નિશામક યંત્ર) નો સાચી રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની પ્રેક્ટિકલ સમજૂતી અપાઈ હતી.


Advertisement