Advertisement

કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન

કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન

કમોસમી વરસાદથી ગુજરાતના ખેડૂતોને મોટું નુકસાન

 ગુજરાતના વાતાવરણમાં આવેલા અચાનક પલટા અને છેલ્લા બે-ચાર દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે રાજ્યના ખેડૂતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર-કચ્છ સુધીના વિસ્તારોમાં વરસાદ પડતાં ઊભા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોને ફરી એકવાર આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો છે.

કપાસ અને મગફળીને મોટો ફટકો

હાલમાં લાખો હેક્ટરમાં કપાસ અને મગફળીનો પાક ઊભો છે. વરસાદી પાણીમાં ભીંજાવાથી આ બંને મુખ્ય પાકોમાં સડો થઈ જવાની અને ગુણવત્તા બગડી જવાની સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત, કઠોળના પાકને પણ વ્યાપક નુકસાન થવાના અહેવાલ છે.

શાકભાજી અને બાગાયતી પાક પણ જોખમમાં

વાલોળ, દુધી અને તુરીયા જેવી વેલાવાળી શાકભાજી સડી જવાની સ્થિતિમાં છે. કૃષિ નિષ્ણાતો માને છે કે જો હજુ એક-બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, તો મોટાભાગની વેલાની શાકભાજી નાશ પામશે. કોબી, ફ્લાવર અને રીંગણ જેવી શાકભાજીમાં ભેજભર્યા વાતાવરણને કારણે ઈયળ અને જીવજંતુનો ઉપદ્રવ વધવાની સંભાવના છે. માત્ર શાકભાજી જ નહીં, કેળા જેવા બાગાયતી પાકોને પણ નુકસાન થયું છે.

કેળાના પાકમાં ખેડૂતોનું શોષણ

કેળાના પાકને નુકસાન થવાના અહેવાલો વચ્ચે ખેડૂતોના શોષણની વાત પણ સામે આવી છે. હાલમાં બજારમાં એક ડઝન કેળાનો ભાવ 50-60 રૂપિયા બોલાય છે, જ્યારે ખેડૂતો પાસેથી 20 કિલો કેળા માત્ર 100-140 રૂપિયાના ભાવે ખરીદવામાં આવી રહ્યા છે, જે સરેરાશ 5-7 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પડે છે. ખેડૂતોને તેમના ઉત્પાદનનો પૂરતો ભાવ મળી રહ્યો નથી. ખેતીને થયેલા વ્યાપક નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂત સંગઠનોએ રાજ્ય સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગણી કરી છે.

ખેડૂતોની મુખ્ય માંગણીઓ

•સેટેલાઈટના માધ્યમથી નુકસાનીનો ઝડપી સર્વે કરવામાં આવે.

•સર્વેના આધારે ખેડૂતોને તાત્કાલિક આર્થિક વળતર ચૂકવવામાં આવે.

•ગુજરાતમાં જે પાક વીમા યોજના બંધ કરી દેવામાં આવી છે, તેને ફરીથી શરૂ કરવામાં આવે.

અગાઉ ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં વરસાદના મારથી બેહાલ થયેલા ખેડૂતોને માંડ રાહત મળી હતી, ત્યાં ફરી આર્થિક ફટકો પડતાં રાજ્ય સરકાર ઝડપી અને યોગ્ય પગલાં ભરે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

Advertisement