ભગતસિંહ ઓલ ઇન્ડિયા યુથ કાઉન્સિલ દ્વારા ગતરાત્રી વલ્લભ વિદ્યાનગર તેમજ આણંદ–વિધાનગર રોડ પર રાત્રિના સમયે સફાઈ કામગીરી કરતા 55થી વધુ સફાઈ કામદારોને કડકડતી ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેવા કાર્ય સંસ્થાના પ્રમુખ અલ્પેશભાઈ પુરોહિતના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હાલ ચાલી રહેલી ઠંડીને ધ્યાનમાં રાખીને સંસ્થાના કાર્યકરો દ્વારા એક અઠવાડિયાની અંદર 600થી વધુ સફાઈ કામદારોને ધાબળા વિતરણ કરવાની સેવા પૂર્ણ કરવામાં આવશે.
આ સેવા કાર્ય માટે ધાબળાનું સ્પોન્સર મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું. રાત્રિના સમયે શહેરને સ્વચ્છ રાખવા અવિરત સેવા આપતા સફાઈ કામદારો માટે આ માનવીય પહેલને લોકોએ બિરદાવી હતી અને સંસ્થાના સામાજિક કાર્યને સરાહના મળી હતી.