રબારી સમાજના અગ્રણીઓ દ્વારા આવેદન પત્ર આપી ન્યાયની માંગ
તારાપુર તાલુકાના મોજે ઊંટવાડા ગામે રહેતા પશુપાલક કલ્પેશભાઈ વાહજીભાઈ રબારીની ૨૦ વર્ષીય દીકરી જાનકી કલ્પેશભાઈ રબારી તા. ૨૩/૦૧/૨૦૨૬ના રોજ રહસ્યમય રીતે ગુમ લાપતા થઈ હતી. આ બાબતે પિતાશ્રી દ્વારા તા. ૨૪/૦૧/૨૦૨૬ના રોજ તારાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે ફરિયાદ નોંધાયા બાદ આજ દિન સુધી તપાસની પ્રગતિ અંગે કોઈ સચોટ માહિતી ન મળતા રબારી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, જાનકી રબારી ક્યાં છે, તપાસ કેટલા તબક્કે પહોંચી છે અને કોઈ મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે કે નહીં તે અંગે પરિવારજનોને કે સમાજને કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી. લોકવાયકા મુજબ ઊંટવાડા ગામનો રહીશ પૃથ્વી જશુભા રાઉલજી યુવતીને બાઈક પર કોઈ અજાણી જગ્યાએ છોડી આવ્યો હોવાની ચર્ચા છે. જો આ દિશામાં તારાપુર શહેરના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તો મહત્વપૂર્ણ પુરાવા મળી શકે તેમ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સમાજના અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે CCTV ફૂટેજની સમયમર્યાદા હોવાને કારણે તપાસમાં વિલંબથી મહત્વના પુરાવા નાશ પામવાની ગંભીર સંભાવના છે, જે ગુનાને પરોક્ષ રીતે પ્રોત્સાહન આપતું હોવાનું માનવામાં આવે છે. તેઓએ આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા મામલાને ગંભીરતાથી લેવામાં આવતો નથી અને સંદિગ્ધ વ્યક્તિઓ સામે પૂછપરછ, અટકાયત કે લેખિત નિવેદન લેવાની કાર્યવાહી કરવામાં આવી નથી.
આવેદન પત્રમાં વધુમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન દ્વારા ‘દીકરી બચાવો, દીકરી પઢાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને ગુજરાત સરકાર સ્ત્રી સુરક્ષા તથા સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. આવી પરિસ્થિતિમાં તારાપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા તપાસમાં ઢીલ અને વિલંબ થતો હોવાના આક્ષેપો ગૃહમંત્રીના ઉદ્દેશોને નુકસાન પહોંચાડે છે.
રબારી સમાજના અગ્રણીઓએ સવાલ ઉઠાવ્યો છે કે જો દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી હોય તો તેની જવાબદારી કોણ લેશે? તપાસમાં વિલંબ, ભેદભાવ અને બેદરકારી માટે જવાબદાર કોણ? તેમજ સમયસર નિષ્પક્ષ અને ઝડપી તપાસ ન થવાથી જો કોઈ દસ્તાવેજી પુરાવા સાથે ચેડાં થાય તો તેનો જવાબદાર કોણ હશે?
આ મામલે સમાજના આગેવાનો દ્વારા ઉચ્ચ અધિકારીઓને આવેદન પત્ર આપી તાત્કાલિક, નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરી યુવતીને શોધી કાઢવાની તથા દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.