ઉમરેઠ: 22 બાળકો-3 શિક્ષકો સાથેની રીક્ષા ખાડામાં, 3ને ફ્રેક્ચર
ઉમરેઠ તાલુકાની ડુંગળીપુરા પ્રાથમિક શાળા દ્વારા જીતપુરા ખાતે સરકાર દ્વારા ટ્વિનિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ડુંગરીપુરાના બાળકો જીતપુરા ખાતે ગયા હતા અને પરત ફરતા સમયે તેમને અકસ્માત નડ્યો હતો. જેમાં ત્રણ બાળકને ફેક્ચર થયું હતું. નોંધનીય છે કે, આ કાર્યક્રમ દરમિયાન બાળકોને ટેમ્પી રિક્ષામાં ઘેટાં-બકરાં ભર્યા હોય તે રીતે લઈ જવામાં આવ્યા હતા જેને પગલે ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સરકારના પરિપત્ર મૂજબ બાળકોને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલા સાધનો કે વાહનોમાં બાળકોને કોઈ જોખમ ઊભું ન થાય એ રીતે લાવવા લઈ જવાના રહે છે. જોકે, આમ છતાં આચાર્ય દ્વારા રીક્ષા ટેમ્પો કરી 22 જેટલા બાળકો અને ત્રણ શિક્ષકો સાથે ટેમ્પીમાં લઈ જવામાં આવ્યા હતા.
સવારે તેઓ જીતપુરા પહોંચ્યા હતા. દરમિયાન, સાંજે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે રિક્ષા ચાલકે સામેથી આવતી બસ જોઈ કાબુ ગુમાવતા બાળકો સાથે રીક્ષા નજીકના ખાડામાં પટકાઈ હતી. આ અકસ્માતને કારણે બાળકોમાં બૂમાબૂમ મચી હતી. રીક્ષા પલટી જતાં બાળકો રોડ પર પટકાયા હતા. જેમાં ત્રણ બાળકોને ફ્રેક્ચર થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શિક્ષકોની બેદરકારીને લઈને રોષ વ્યાપ્યો છે. સરકારની સૂચનાઓ હોવા છતાં આચાર્ય દ્વારા આવી ગંભીર બેદરકારી કેમ રાખવામાં આવી તે પ્રશ્ન ઉઠ્યો છે. સમગ્ર ઘટનામાં જો કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ ? તે અંગે પણ સવાલો ઉભા થયા છે.