ઉમરેઠ સંતરામ મંદિરમાં 14 ડિસેમ્બરથી ભાગવત સપ્તાહની શરૂઆત
આણંદ જિલ્લાના સુપ્રસિદ્ધ તીર્થધામ ઉમરેઠ ખાતે આવેલા સંતરામ મંદિરમાં આગામી 14 ડિસેમ્બર, 2025થી કથાકાર રમેશ ઓઝાના મુખે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના 168મા વાર્ષિક ઉત્સવ નિમિત્તે આ ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે.
આ ભવ્ય ધાર્મિક આયોજનને સફળ બનાવવા માટે મંદિર પરિસરમાં અત્યારથી જ યુદ્ધના ધોરણે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉમટી પડે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને વિશાળ ડોમ અને મંડપ બાંધવામાં આવી રહ્યા છે, જ્યાં હજારો હરિભક્તો આરામથી કથાનું શ્રવણ કરી શકે.
કથામાં પધારેલા ભક્તો માટે મહાપ્રસાદ અને ભોજનની ઉત્કૃષ્ટ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઉમરેઠ અને આસપાસના વિસ્તારોમાંથી આવતા શ્રદ્ધાળુઓના વાહનો માટે યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. શાંતિ અને સુરક્ષા જાળવવા માટે સ્વયંસેવકોની ટુકડીઓ પણ કાર્યરત કરવામાં આવી છે.
કથાકાર રમેશ ઓઝા કથાનું અમૃતપાન કરાવશે, તે મંચને આકર્ષક અને ભવ્ય રીતે સજાવવામાં આવી રહ્યો છે. સમગ્ર ઉમરેઠ શહેર અને આસપાસના વિસ્તારોમાં આ કથાને લઈને ભારે ઉત્સાહ અને ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે.
મંદિરના સંચાલકો દ્વારા ધર્મપ્રેમી જનતાને મોટી સંખ્યામાં આ જ્ઞાનયજ્ઞમાં હાજરી આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.