Advertisement

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પૂનમે સાકર-બોર વર્ષા, ભક્તોએ ઉત્સવ માણ્યો

ઉમરેઠ સંતરામ મંદિરમાં પોષી પૂનમે સાકર-બોર વર્ષા, ભક્તોએ ઉત્સવ માણ્યો

ઉમરેઠના શ્રી સંતરામ મંદિરમાં પોષી પૂનમના પવિત્ર દિવસે પરંપરાગત રીતે સાકર-બોર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ અને વિવિધ સંતરામ મંદિરની ગાદીના મહંતશ્રીઓ દ્વારા બપોરની વિશેષ આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભક્તો અને નગરના અગ્રણીઓ આ ધાર્મિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આરતી બાદ 'જય મહારાજ'ના નાદ સાથે ઉપસ્થિત ભક્તોએ સાકર-બોર વર્ષા કરી હતી, જે દ્રશ્ય જોઈને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે સાકર-બોર વર્ષાના મહત્વ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, એવી માન્યતા છે કે જો કોઈ બાળક તેની ઉંમર પ્રમાણે બોલતું ન હોય, તો સંતરામ મંદિરમાં સાકર-બોર વર્ષા કરવાની બાધા રાખવાથી તે બાળક જલ્દી બોલતું થાય છે.

આજે ઉમરેઠ સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકોએ સાકર-બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી, જ્યારે ઘણા ભક્તોએ પોતાની બાધા પૂર્ણ કરવા માટે સાકર-બોર વર્ષા કરી હતી. ઘણા બાળકો પાંચ વર્ષના થયા પછી પણ સ્પષ્ટ બોલી શકતા નથી. આવા બાળકોના માતા-પિતા પોષી પૂનમે સંતરામ મંદિરમાં સાકર-બોર ઉછાળવાની બાધા રાખે છે, એવી શ્રદ્ધા સાથે કે તેમનું બાળક જલ્દી બોલતું થશે.આ પરંપરા દર વર્ષે સંતરામ મંદિરની વિવિધ શાખાઓમાં ઉજવાય છે. ખાસ કરીને ઉમરેઠ, કરમસદ, કાલસર અને નડિયાદ જેવા સ્થળોએ સાકર-બોર વર્ષામાં મોટી સંખ્યામાં ભક્તો એકઠા થાય છે. તેઓ પોતાના બાળક જલ્દી બોલતું થાય તેવી બાધા રાખે છે, અને જેમના બાળકો બોલતા થઈ ગયા હોય તે ભક્તો પોતાની બાધા પૂર્ણ કરવા માટે બોર-સાકર વર્ષા કરે છે.આ સાકર-બોર વર્ષા નિમિત્તે આજે સંતરામ મંદિરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ સહિત આસપાસના ગામોના લોકોએ આ ભંડારામાં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Advertisement