Advertisement

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન અગાસી પરથી પડવાના બે બનાવ

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ દરમિયાન અગાસી પરથી પડવાના બે બનાવ

ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ દરમિયાન આણંદ જિલ્લામાં અગાસી પરથી નીચે પડવાના બે અલગ-અલગ બનાવોમાં બે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવકને માથામાં ગંભીર ઇજાઓ થતાં હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

ખંભાત તાલુકાના કલમસર ગામમાં ગંભીર અકસ્માત

ખંભાત તાલુકાના કલમસર ગામના ઊંડા ફળિયામાં રહેતા દિગ્વિજય નટુભાઈ પઢીયાર (ઉં.વ. 23) ઉત્તરાયણના દિવસે પોતાના ઘરના બીજા માળે આવેલી અગાસીમાં પતંગ ચગાવી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ નીચે પટકાયા હતા. ઘટનામાં તેમને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઇજા થતાં જ તેમને તાત્કાલિક ખંભાત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ ટાંકા લેવામાં આવ્યા. વધુ સારવાર માટે તેમને કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

વાસી ઉત્તરાયણમાં ઓડ ગામે નાબાલક યુવકને ઇજા

આણંદ તાલુકાના ઓડ ગામે વાસી ઉત્તરાયણના દિવસે યુવરાજભાઈ વિક્રમભાઈ ચુનારા (ઉં.વ. 14) ધાબા પર ચઢી પતંગ ચગાવી રહ્યા હતા.
આ દરમિયાન અચાનક સંતુલન ગુમાવતા તેઓ ધાબા પરથી નીચે પડી ગયા હતા. ઘટનામાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી.

ઇજા થતાં તરત જ તેમના પિતા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે માથામાં ઇજા ગંભીર હોવાને કારણે વધુ તપાસ અને સારવાર માટે તેમને કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.

અન્ય વિસ્તારોમાં પણ બનાવો

વાસી ઉત્તરાયણની મોડી સાંજે આણંદ સહિત અન્ય ચાર ગામોમાં પણ અગાસી પરથી પડવાના બનાવો બન્યાનું 108ની ઇમરજન્સી ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે.

સુરક્ષા પ્રત્યે બેદરકારી ભારે પડી

ઉત્તરાયણના ઉત્સવ દરમિયાન અગાસી અને ધાબા પર પતંગ ચગાવતી વખતે થતી બેદરકારી ગંભીર અકસ્માતોમાં ફેરવાઈ રહી છે. લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાની તાતી જરૂરિયાત ઉભી થઈ છે.

Advertisement