આણંદ SOG ની કાર્યવાહી, નાવલીમાંથી દેશી તમંચા સાથે ઇસમ ઝડપાયો
આણંદ SOG પોલીસે નાવલી ગામમાંથી એક ઇસમને દેશી તમંચા સાથે ઝડપી પાડ્યો છે. રમેશભાઈ ઉર્ફે કાભાઈ પરમાર નામના આ ઇસમની ધરપકડ બાતમીના આધારે કરવામાં આવી હતી. તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
આણંદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા SOG શાખાને સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાનમાં, SOG પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. અસારીના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એસ.ઓ. ચૌધરી અને SOG સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
પેટ્રોલિંગ દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ અને મનોજને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, નાવલીના રમેશ ઉર્ફે કાભાઈ પરમારે તેના કબજા ભોગવટાના નાવલી શાંતિનગર સીમ વિસ્તારમાં કેનાલ પાસે આવેલા તબેલાની ગમાણમાં જમીનમાં દેશી તમંચો સંતાડ્યો હતો. તે સમયે રમેશ પરમાર તબેલામાં હાજર હતો.
બાતમીના આધારે, પંચો સાથે SOG ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાતમીમાં વર્ણવેલા વર્ણન મુજબનો ઇસમ મળી આવતા તેને રોકી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રમેશભાઈ ઉર્ફે કાભાઈ બાબુભાઈ પરમાર જણાવ્યું હતું. રમેશને સાથે રાખી તેના તબેલામાં તપાસ કરતા ગમાણની જમીનમાંથી એક પ્લાસ્ટિકની કોથળીમાંથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
આમ, રમેશ પરમાર વિરુદ્ધ આણંદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તેની ધરપકડ કરવામાં આવી હતી.