આણંદ સ્ટેશન પર સુપરવાઈઝરે હેલ્થ ઈન્સ્પેક્ટરને માર્યો, પોલીસ ફરિયાદ નોંધાઈ
આણંદ શહેરના રેલ્વે સ્ટેશન ઉપર સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીના સુપરવાઈઝરે ગઈકાલે રાત્રીના સુમારે રેલ્વેના હેલ્થ ઈન્સ્પેક્ટરને સફાઈ બાબતે ઝઘડો કરીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે આણંદના રેલ્વે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
ફરિયાદી અભિષેક ભજનારામ જાટ (રે. મુળ રાજસ્થાન, હાલ ગામડી) આણંદ રેલ્વેમાં હેલ્થ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમની ફરજમાં રેલ્વે સ્ટેશન ઉપર યોગ્ય સાફ-સફાઈ થાય છે કે કેમ તેની દેખરેખ રાખવાની છે. આણંદના રેલ્વે સ્ટેશનની સાફ-સફાઈનો કોન્ટ્રાક્ટ ડાયનેમીક એન્ટરપ્રાઈઝ (રતલામ)ના નામે હોય તેના સુપરવાઈઝર પાઈલેટ મીનાની આગેવાની હેઠળ સાફ સફાઈ કરવામાં આવી રહી છે.
દરમ્યાન ગઈકાલે રાત્રીના સુમારે મુખ્ય વાણિજ્ય અધિકારી નરસીરામ આણંદની મુલાકાતે આવતા અભિષેકે સુપરવાઈઝર પાઈલેટ મીનાને પણ બોલાવી લીઘો હતો. રાત્રીના સુમારે ત્રણેયે પ્લેટફોર્મ નંબર ૪ ઉપર ચેકીંગ હાથ ઘરતાં અનેક જગ્યાએ સફાઈમા કમી જોવા મળી હતી. જેથી અભિષેકે ફોટાઓ પાડીને કોન્ટ્રાક્ટર શીવપ્રસાદ મીનાને મોકલી આપ્યા હતા અને વિઝિટ પુરી કરીને સ્ટેશન માસ્તરની ઓફિસ પાસે આવીને અભિષેક કોન્ટ્રાક્ટર સાથે ફોન પર વાતો કરતો હતો. ત્યારે પાઈલેટ મીના એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને અભિષેકને છાતીના ભાગે મુક્કા મારી દેતાં તે નીચે પડી ગયો હતો. એ સાથે જ શર્ટ પકડીને ગળુ દબાવવાની કોશિષ કરવા લાગ્યો હતો. જો કે વાણિજ્ય અધિકારી સહિત રેલ્વેના અન્ય અધિકારીઓએ વચ્ચે પડીને તેને વધુ મારમાથી છોડાવ્યો હતો.જતાજતા પાઈલેટ મીનાએ અભિષેકને નોકરી કરતા શીખવાડી દઈશ અને ઘરે કેવી રીતે પાછો જવ છું તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે અભિષેકે આણંદના રેલ્વે પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કર્યો હતો.