આણંદ શહેરના માર્ગો પર વારંવાર ટ્રાફિકજામથી વાહન ચાલકો પરેશાન
આણંદ : નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ આણંદ શહેરના માર્ગો ઉપર વાહનોની અવર-જવર વધી છે. ત્યારે આણંદ શહેરની વિવિધ ચોકડીઓ ઉપર ઘણા સમયથી વારંવાર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો હેરાનગતિ ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકા પોલીસ સાથે મળી ટ્રાફિક નિવારણ અંગે આયોજન કરે તેવી માંગણી ઉઠી છે.
આણંદ શહેરના લક્ષ્મી ચાર રસ્તા, ગોપાલ ચોકડી, ઇન્દિરા ગાંધી સ્ટેચ્યુ ચોકડી, ગ્રીડ ચોકડી, લોટીયા ભાગોળ બ્રિજ નજીક તેમજ એપીસી સર્કલ સહિતના વિવિધ સ્થળોએ છેલ્લા ઘણા સમયથી વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવાઈની વાત એ છે કે, કેટલાક સ્થળોએ ટ્રાફિક નિયંત્રણ માટે કર્મચારીઓ હાજર હોવા છતાં ટ્રાફિકની લાંબી કતારો લાગતી હોય છે. ખાસ કરીને શહેરમાં આવેલી વિવિધ શાળાઓ છૂટવાના સમયે આડેધડ પાકગ અને ટ્રાફિકના ધસારાના કારણે ભારે ટ્રાફિકજામ જોવા મળે છે અને વાહન ચાલકોને લાંબા સમય સુધી ટ્રાફિકમાં અટવાઈ રહેવું પડે છે. બીજી તરફ પીકઅવર્સ દરમિયાન વિવિધ સ્થળોએ ટ્રાફિકનું ભારણ વધી જતા વાહનોની લાંબી કતારો લાગતી હોય છે. જોકે કેટલાક સ્થળોએ ટ્રાફિકના કર્મચારીઓ રોડની સાઈડમાં ઊભા રહી માત્ર તમાશો જોતા હોવાનું શહેરીજનો કરી રહ્યા છે. કેટલાક ટ્રાફિક પોઇન્ટ ઉપર આવા કર્મચારીઓ દ્વારા વાહનચાલકોને ખોટી રીતે હેરાનગતિ કરી નાણા પડાવવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ ઉઠી છે.