આણંદ ભૂમેલ નજીક લકઝરી બસમાં અચાનક આગની ધગધગી!
નડિયાદ-આણંદ રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પર મોડીરાત્રે એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.
જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું
પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે બસમાંથી ઉતારી દીધા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.
બસ સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગઈ
આગ કયા કારણસર લાગી એ બાબત હજુ સુધી અસ્પષ્ટ છે, પરંતુ આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.
'બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હતા'
નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર ઑફિસર દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી આણંદ ફાયરબ્રિગેડના કોલ કરવામાં આવ્યો હતો, એ બાદ 112 દ્વારા નડિયાદ ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, બસમાં 20થી 25 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.