Advertisement

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ

આણંદ : આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના ધારાસભ્યો અથવા જિલ્લા કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોના ગામડાઓમાં જૂની રાજકીય અદાવતોનું વેર વાળવા ભાજપના જ કાર્યકરોએ સરપંચ માટે ઉમેદવારીપત્રો ભર્યા છે. ત્યારે સમરસ પંચાયતનો કાર્યક્રમ કોરાણે મૂકાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આણંદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારીપત્રો ભરવાનો સોમવારે છેલ્લો દિવસ છે. ત્યારે આણંદ જિલ્લામાં પ્રતિષ્ઠાની બેઠક કહેવાતા ભાજપ અને કોંગ્રેસના ગઢ ગણાતા કેટલાક ગામોમાં હવે ભાજપના જ કાર્યકરો સામે ગામના ભાજપના જ અન્ય કાર્યકરોએ રાજકીય જૂની અદાવતો અને માન- સન્માનની વાતો આગળ ધરીને બળવો પોકાર્યો છે. 

ભાજપના જ કાર્યકરો સામે ગામના જ ભાજપના અન્ય કાર્યકરોએ સરપંચની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો સિલસિલો શરૂ કર્યો છે. મારું ગામ સમરસ ગામ બનાવવાની યોજના તો એક બાજુએ રહી પરંતુ, ગામોમાં ભાજપના જ બે જૂથ બની રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા ભાજપના મોવડી મંડળે હાલમાં મોં સંતાડવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. 

આણંદ જિલ્લા કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને ભાજપના બે ઉમેદવારો સામે લડવાની સ્થિતિ સર્જાતા કેટલાક ગામોમાં ત્રિ-પાંખિયા જંગનું નિર્માણ થશે. ત્યારે મતોના વિભાજનથી કોંગ્રેસ સમર્થિત ઉમેદવારોને ફાયદો થાય તેવી શક્યતાઓ છે.

આણંદ ચૂંટણીપંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે, સોમવારે અંતિમ દિવસ હોવાથી સૌથી વધુ સંખ્યામાં ફોર્મ ભરાવાની સંભાવનાઓ છે. ત્યારે કચેરીઓમાં ફોર્મ ભરતી વખતે એક જ ગામના વિરોધ પક્ષોના બે જૂથો વચ્ચે ઘર્ષણ ન સર્જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.

Advertisement