આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પર ચાઈનીઝ દોરી જીવલેણ: 8 વર્ષના બાળકનું કરુણ મોત, 9થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ
ઉત્તરાયણ પર્વ દરમિયાન આણંદ જિલ્લામાં ચાઈનીઝ દોરી ફરી એકવાર જીવલેણ સાબિત થઈ છે. બાઈક પર પિતા સાથે જઈ રહેલા 8 વર્ષના બાળકના ગળામાં ચાઈનીઝ દોરી વાગતા મુખ્ય નસ કપાઈ જતાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે અલગ-अलग ઘટનામાં અન્ય નવ લોકોના ગળા, નાક અને કાનમાં ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
બાળકનું કરુણ મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાયણના દિવસે ખંભાત તાલુકાના બદલપુર તાબે સેવરાપુરામાં રહેતા કિશન પરમાર પોતાના 8 વર્ષના પુત્ર ધવલ સાથે બાઈક પર રાલજ ગામે કામ અર્થે જઈ રહ્યા હતા.
રસ્તામાં કપાયેલા પતંગની ચાઈનીઝ દોરી અચાનક ગળામાં વાગતા ધવલના ગળામાં આશરે 5 સેમી ઊંડો ઘસરો પડ્યો હતો. લોહીલુહાણ હાલતમાં પિતા તાત્કાલિક ખંભાત હોસ્પિટલ લઈ ગયા હતા.
ડોક્ટરે ગળાની મુખ્ય નસ કપાઈ ગઈ હોવાનું જણાવી કરમસદ હોસ્પિટલ રીફર કર્યા હતા, પરંતુ ત્યાં પહોંચતા પહેલા જ ધવલનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
અન્ય અકસ્માતોની વિગતો
- ખંભાત – બાજીપુરા ગામ
પુનમભાઈ મઈજીભાઈ પરમાર (ઉ.વ. 23) બાઈક પર ઘરે આવતાં સમયે ચાઈનીઝ દોરી વાગતા નાકમાં ગંભીર ઈજા, 16 ટાંકા. - આણંદ – જીટોડીયા થી મોગરી રોડ
અશોકભાઈ રામભાઈ ઠાકોર (ઉ.વ. 45) ને ગળામાં ગંભીર ઈજા, કરમસદ હોસ્પિટલમાં 12 ટાંકા. - સારસા સીમ – મોગરથી વલીપુરા રોડ
હિતેશભાઈ પ્રભાતભાઈ પઢીયાર (ઉ.વ. 35) ને ગળામાં ઈજા, 108 દ્વારા આણંદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
પોલીસ કાર્યવાહી છતાં ખુલ્લેઆમ વેચાણ
આણંદ જિલ્લા પોલીસ દ્વારા નવેમ્બર માસથી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ માટે ખાસ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
હાલ સુધીમાં પોલીસે
- 80થી વધુ ઇસમોને ઝડપી
- 1200થી વધુ ચાઈનીઝ દોરીના ફિરકા કબજે લીધા
તેમ છતાં ઉત્તરાયણ દરમિયાન ગામેગામ ચાઈનીઝ દોરીનો ખુલ્લેઆમ ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અંદાજે જિલ્લામાં 30%થી વધુ ચાઈનીઝ દોરીનો ઉપયોગ અને 50 હજારથી વધુ ફિરકા ગુપ્ત રીતે વેચાયા હોવાનું મનાઈ રહ્યું છે.
ચાઈનીઝ દોરી પર સખ્ત પ્રતિબંધ જરૂરી
એક પછી એક બનતી જીવલેણ ઘટનાઓ બાદ ચાઈનીઝ દોરી સામે વધુ કડક કાર્યવાહી અને જનજાગૃતિની માંગ ઉઠી છે. નહીં તો ઉત્સવના નામે મોતનો સિલસિલો ચાલુ રહે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.