Advertisement

આણંદ-ખંભાતમાં પ્રતિબંધિત સ્મોકિંગ પેપર વેચનાર બે શખ્સ પકડાયા, LCBની કાર્યવાહી

આણંદ-ખંભાતમાં પ્રતિબંધિત સ્મોકિંગ પેપર વેચનાર બે શખ્સ પકડાયા, LCBની કાર્યવાહી

આણંદ અને ખંભાત શહેરમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પેપર સ્ટ્રીપનું વેચાણ કરતા બે ઈસમોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે ઝડપી પાડ્યા છે. "નશામુક્ત ગુજરાત" અભિયાન અંતર્ગત પોલીસે આ કાર્યવાહી કરી છે.

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં "નશામુક્ત ગુજરાત" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગૃહ વિભાગે એક જાહેરનામું બહાર પાડીને પાન પાર્લર, ચાની દુકાનો અને છૂટક કરિયાણાની દુકાનો સહિતના સ્થળોએ રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ, વેચાણ કે હેરાફેરી ન કરવા જણાવ્યું છે.

આણંદ LCB પોલીસને મળેલી બાતમીના આધારે, રાજપથ માર્ગ પર લક્ષ સર્કલ પાસે આવેલા એક કોમ્પ્લેક્સમાં શ્રી ગજાનંદ કોર્પોરેશન નામની દુકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન દુકાનમાંથી 18 નંગ પ્રતિબંધિત રોલિંગ પેપર અને 35 નંગ પેપર સ્ટ્રીપ મળી આવી હતી. પોલીસે દુકાનમાલિક જગદીશ અંબાલાલ પંચાલ (રહે. પાલિકા નગર, આણંદ) વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઉપરાંત, આણંદ LCBની ટીમે ખંભાત શહેરના શેખ વાડી વિસ્તારમાં આવેલા બુખારી સ્ટોરમાં પણ તપાસ કરી હતી. આ તપાસમાં કુલ 172 નંગ પેપર સ્ટ્રીપ અને કોન મળી આવ્યા હતા. પોલીસે નશીરહુસેન અબ્દુલરહેમાન શહેર (રહે. શેખ વાડી, ખંભાત) વિરુદ્ધ ખંભાત શહેર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement