Advertisement

આણંદ LCBની મોટી કામગીરી: ‘સારોલ ગેંગ’ ઝડપાઈ, 4 વીજ વાયર ચોરીના ગુનાઓ ઉકેલાયા

આણંદ LCBની મોટી કામગીરી: ‘સારોલ ગેંગ’ ઝડપાઈ, 4 વીજ વાયર ચોરીના ગુનાઓ ઉકેલાયા

આણંદ જિલ્લામાં હાઈટેન્શન ઇલેક્ટ્રિક ટ્રાન્સમિશન લાઇનના એલ્યુમિનિયમ વાયરની ચોરીના બનાવોમાં વધારો થયો હતો. આ ગુનાઓને ડામવા માટે આણંદ પોલીસ અધિક્ષક જી.જી. જસાણીના માર્ગદર્શન હેઠળ LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે 'સારોલ ગેંગ'ના ત્રણ સભ્યોને ઝડપી પાડી ચાર ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.


પોલીસને LCBના હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ મહેન્દ્રસિંહ દ્વારા મળેલી બાતમીના આધારે, કણભા ગામની સીમમાં ચોરીના વાયર સંતાડ્યા હોવાની માહિતી મળી હતી. પોલીસે વોચ ગોઠવી અંધારામાં વાડમાંથી વાયર કાઢતા ત્રણ શખ્સોને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી લોખંડનું મોટું કટર, હેક્સો બ્લેડ અને અંદાજે 60 મીટર ચોરીનો વાયર મળી આવ્યો હતો.


પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ. 23,000/-ની કિંમતનો મુદ્દામાલ (વાયર અને સાધનો) કબજે કર્યો છે. તેમની સામે BNSS-2023ની વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


ઝડપાયેલા આરોપીઓમાં લાલજીભાઈ ઉર્ફે લાલો રમણભાઈ તળપદા, રહે. સારોલ, બોરસદ, વિજયભાઈ રાયસિંગભાઈ તળપદા, રહે. સારોલ, બોરસદ અને અજયભાઈ રમેશભાઈ તળપદા, રહે. જૂના બદલપુર, યોગીપુરા, બોરસદનો સમાવેશ થાય છે.


પૂછપરછ દરમિયાન, આરોપીઓએ ચાર મુખ્ય ગુનાઓની કબૂલાત કરી છે. જેમાં વીરસદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કણભા સીમમાંથી 700 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી (કિંમત રૂ. 2.31 લાખ) અને ખંભાત-રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કલ્પતરુ પ્રોજેક્ટની લાઈનમાંથી 450 મીટર વાયરની ચોરી (કિંમત રૂ. 1.55 લાખ)નો સમાવેશ થાય છે.


આ ઉપરાંત, તારાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટકોની 400 KV લાઈનમાંથી અંદાજે 9 કિલોમીટર લાંબા વાયરની ચોરી (કિંમત રૂ. 4.75 લાખ) અને કાનાવાડા સીમમાંથી અંદાજે 3084 મીટર 'Zebra Conductor' વાયરની ચોરી (કિંમત રૂ. 4.70 લાખ) પણ કબૂલી છે.


આ કામગીરીમાં LCB પી.આઈ. એચ.આર. બ્રહ્મભટ્ટ, ASI જલમસિંહ, દિલીપભાઈ, હેડ કોન્સ્ટેબલ રણવીરસિંહ, પ્રમેશકુમાર, દેવેન્દ્રસિંહ અને બહાદુરભાઈ જોડાયા હતા.

Advertisement