આણંદ: આણંદ તાલુકા પંચાયત ભવનની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વર્ષો જૂનું મકાન જર્જરિત થઈ જતાં અને છત પરથી પાણી ટપકતું હોવાને કારણે તંત્રએ તાત્કાલિક ધોરણે 4થી વધુ ઓફિસો અન્ય જગ્યાએ ખસેડવાની ફરજ પડી છે. આ સ્થિતિને કારણે 39 ગામડાઓના વહીવટમાં વિક્ષેપ પડી રહ્યો છે અને અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
કચેરીમાં પાણીની રેલમછેલ: છત બની જોખમી
પ્રાપ્ત વિગતો અનુસાર, ટાઉન પોલીસ મથક પાસે આવેલું આ જૂનું ભવન હવે જોખમી બની ગયું છે. બીજા માળે આવેલી પાણીની ટાંકીમાંથી પાણી ધોધમાર ટપકતું હોવાથી છતની દીવાલો નબળી પડી ગઈ છે. કચેરીમાં પાણી ભરાઈ જવાથી આરોગ્ય સહિતની મહત્વની શાખાઓને અન્ય રૂમમાં અથવા જગ્યાએ ખસેડવામાં આવી છે.
39 ગામડાંઓનો વહીવટ રામભરોસે?
આણંદ તાલુકા પંચાયત હસ્તક 39 ગામડાઓની વહીવટી કામગીરી ચાલે છે. જ્યારે જિલ્લા પંચાયત નવીન ભવનમાં ખસી ગઈ, ત્યારે તાલુકા પંચાયતને આ જૂના ભવનમાં ખસેડાઈ હતી. પરંતુ જાળવણીના અભાવે આજે સરકારી કર્મચારીઓની સુરક્ષા પણ જોખમાઈ છે. કચેરીની આવી હાલત જોતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે.
શું કહે છે અધિકારી? "હાલમાં કચેરી ખાતે રિનોવેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વહેલી તકે મરામત પૂર્ણ કરી દેવાશે જેથી અરજદારો અને કર્મચારીઓને પડતી હાલાકીનો અંત આવશે." > — આર.એમ. પટેલ (તાલુકા વિકાસ અધિકારી, આણંદ)