Advertisement

આણંદ જિલ્લા પંચાયતનું 2026-27નું બજેટ રજૂ: ખેડૂતો, મહિલાઓ અને બાળકોના કલ્યાણ પર ખાસ ફોકસ

આણંદ જિલ્લા પંચાયતનું 2026-27નું બજેટ રજૂ: ખેડૂતો, મહિલાઓ અને બાળકોના કલ્યાણ પર ખાસ ફોકસ


આણંદ, સોમવાર : આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આણંદ જિલ્લા પંચાયત ખાતે ખાસ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં વર્ષ ૨૦૨૬-૨૭નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી રમણભાઈ સોલંકી, રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ, સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે.વી.દેસાઈ, સહિત જિલ્લા પંચાયતની વિવિધ શાખા અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના વિકાસાત્મક કાર્યોની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી.


  આ દરમિયાના વર્ષ ૨૦૨૬-૨૭ના અંદાજપત્રમાં જિલ્લા પંચાયતના સ્વભંડોળની આવક રૂપિયા ૨૪૦૫.૪૧ લાખ અને ખર્ચ રૂપિયા ૨૨૭૦.૦૯ લાખ અંદાજવામાં આવ્યો છે. વર્ષના અંતે રૂપિયા ૧૩૫.૩૨ લાખની પુરાંત રહેવાનો અંદાજ છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા તબદીલ થયેલી પ્રવૃત્તિઓ સહિત કુલ રૂપિયા ૧૭૧૪૦૬.૯૯ લાખની આવક અને રૂપિયા ૧૨૬૦૯૩.૧૮ લાખનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. તેમજ સભામાં સ્વભંડોળના ખર્ચમાં રૂપિયા ૭૩.૪૦ લાખની નવી બાબતો ઉમેરવામાં આવી છે અને કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. 


  આ સભામાં ખેડૂતના અકસ્માત મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકારની રૂપિયા ૪ લાખની સહાય ઉપરાંત, જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી વધારાની રૂપિયા ૩૫,૦૦૦ની સહાય આપશે. આરોગ્ય ક્ષેત્રે પ્રસૂતિ દરમિયાન માતાના મરણના કિસ્સામાં તેના વારસદારને જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા ૫૦,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવશે. કુપોષણ મુક્ત અભિયાનને વેગ આપવા માટે, તાલુકા દીઠ શ્રેષ્ઠ કામગીરી કરતી ત્રણ ગ્રામ પંચાયતોને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.


    જિલ્લા પંચાયત ખાતે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓ અને મુલાકાતીઓના બાળકોની સાચવણી માટે માટે રૂપિયા ૧૦ લાખના ખર્ચે નવીન આધુનિક ઘોડિયાઘર બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત આ ઘોડિયા ઘરના મેન્ટેનન્સ પેટે ₹10 લાખ ની જોગવાઈ કરવામાં આવી છે. આ ઘોડિયા ઘરનું જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, મંત્રીશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે આજે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.


  આ બજેટમાં શિક્ષણ ક્ષેત્રે રૂપિયા, બાંધકામ ક્ષેત્રે અને નાની સિંચાઈ માટે મોટી ફાળવણી કરવામાં આવી છે. આ સાથે જ આંગણવાડીઓના રિપેરિંગ, સ્માર્ટ આંગણવાડી બનાવવા, પશુ સારવાર કેમ્પ અને અનુસૂચિત જાતિ/બક્ષીપંચ વિસ્તારમાં પેવિંગ બ્લોક તથા રોડ રસ્તાના કામો માટે પણ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.


  આ પ્રસંગે જિલ્લાની આંગણવાડીઓ, શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોમાં દાન આપનાર દાતાઓ તથા CSR અંતર્ગત સહયોગ આપનાર કંપનીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.


 નોંધનીય છે કે જિલ્લા પંચાયતની હાલની પાંચ વર્ષની મુદત ૧૭/૦૩/૨૦૨૬ના રોજ પૂર્ણ થતી હોવાથી, પ્રમુખશ્રીએ તમામ સદસ્યો અને અધિકારીઓનો સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.


Advertisement