આણંદમાં 10 વર્ષથી બંધ, 5 કરોડના ખર્ચે બનેલા 308 આવાસ ફલેટ બાકી
આણંદ શહેરમાં પાલિકાના સમયે મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 2010માં અંદાજે 5 કરોડ ઉપરાંતના ખર્ચે 308થી વધુ આવાસ ત્રણ ફલેટમાં તૈયાર કરવામાં આવ્યાં હતા. જેમાં માત્ર ફનિર્ચર સહિત કામગીરી બાકી હોવાથી 10 વર્ષથી ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યાં છે.
જે આવાસ મેળવવા માટે નાણાં ભરનાર પરિવારોમાંથી બે વર્ષ પહેલા 80 મકાન ફાળવવામાં આવ્યાં હતા. જ્યારે બાકીના ખાલી પડી રહ્યાં છે.
ત્યારે હાલમાં મનપા દ્વારા ટીપી 10 તળાવના િકનારે આવેલી ઝુંપડપટ્ટી સહિતના મકાનો હંટાવવા માટે નોટીસ પાઠવી છે ત્યારે તેઓને તાત્કાલિક રહેવા માટેની જગ્યા મળી રહે તે માટે સલાટિયા આવાસમાં મકાન ફાળવવા માટે પૂર્વ સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિત મનપા કમિશ્નરને રજૂઆત કરીને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી આણંદ પ્રથમ આવાસા યોજના સલાટિયા વિસ્તારમાં મંજૂર થઇ હતી. તે વખતે 308થી વધુ મકાનો બનાવ્યાં હતા.જો કે મકાનની 90 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. માત્ર 10 ટકા કામગીરી બાકી છે.
તેમ છતાં છેલ્લા10 વર્ષથી ધૂળ ખાતી હાલતમાં બિન ઉપયોગી પડી રહ્યાં છે. ત્યારે મનપાએ ટીપી 10 ગરીબ પરિવારોને જગ્યા ખાલી કરાવતાં પહેલા સલાટિયા વિસ્તારમાં મકાન ફાળવવામાં આવે તો ગરિબ પરિવારને આશ્ર્રય મળી રહે તેમ છે. જો કે ગરીબ પરિવારોને છોકરાની પરીક્ષા સુધી મકાન ખાલી નહીં કરવા રાહત આપવામાં આવી છે. પરંતુ ત્યારબાદ શું તે પ્રશ્ન સૌને મુંઝવી રહ્યો છે.