આણંદમાં સ્વચ્છતાનો અભાવ જણાતા ગણેશ સાઉથ કોર્નર સીલ
આણંદ : આણંદની ગણેશ ચોકડી પાસે ગણેશ સાઉથ કોર્નરમાં સ્વચ્છતાના અભાવ સહિતની ક્ષતિઓના પગલે કરમસદ આણંદ મનપાએ સીલ કરી દીધું છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આણંદ ગણેશ ચોકડી પાસે આવેલી ગણેશ સાઉથ કોર્નરમાં આકસ્મિક તપાસ કરતા જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી છે. જેમાં સ્વચ્છતાનો સદંતર અભાવ સાથે ગંદકી જોવા મળી હતી. ઉપરાંત બટાટા ખરાબ હાલતમાં મળી આવ્યા હતા. ખાવાની ચીજો ગંદકીમાં જોવા મળી હતી. બિલકુલ હાઈજિન ન હોય અને લોકોના આરોગ્યને જોખમીરૂપ જણાતા ફૂડ કાયદાની જોગવાઈને આધિન ગણેશ સાઉથ કોર્નરને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં ખોરાકમાં ભેળસેળ અને સ્વચ્છતાના માપદંડમાં ક્ષતિઓ જણાશે તો ત્વરિત કાર્યવાહી કરાશે તેમ પાલિકાએ જણાવ્યું છે.