Advertisement

આણંદમાં સ્કૂલ પછી હવે રસ્તા પર ઈ-સિગારેટ: 12 નંગ સાથે શખ્સ પકડાયો

આણંદમાં સ્કૂલ પછી હવે રસ્તા પર ઈ-સિગારેટ: 12 નંગ સાથે શખ્સ પકડાયો

આણંદ શહેરમાં બે જાણીતી સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ પાસેથી ઈ સિગારેટનો જથ્થો પકડાયા બાદ પોલીસે અભિયાન હાથ ધર્યું છે. આણંદ શહેરના 80 ફૂટ રોડ સ્થિત મોપેડ સવાર શખસને ઈ સિગારેટ સાથે પોલીસે દબોચી લીધો હતો. પોલીસે તેની પાસેથી 42 હજારની કિંમતની 12 નંગ ઈ સિગારેટ કબજે લીધી હતી. જોકે, આ બનાવમાં એક વોન્ટેડ છે.

આણંદ શહેરમાં 80 ફૂટ રોડ ઉપર સ્માર્ટ બજારની સામેથી એક મોપેડ ચાલક ઈ સિગારેટના જથ્થા સાથે પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમી આણંદ પોલીસને મળતાં જ પોલીસે વોચ ગોઠવીને મોપેડ સવારને ઝડપી પાડ્યો હતો. તેનું નામ-ઠામ પૂછતાં કેવિન તેજસ પટેલ અને તે 80 ફૂટ રોડ પરની મારૂતિ ટ્વીન્સ સોસાયટીમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેના મોપેડની ડીકીમાં તપાસ કરતા રૂપિયા 42 હજારની કિંમતની પ્રતિબંધિત 12 ઈ સિગારેટ મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા ઈ સિગારેટ મોટા બજારમાં પોસ્ટ ઓફિસ સામે આવેલા સહજાનંદ પાન પાર્લરવાળા ભયલુ નામના શખસ પાસેથી વેચાણે લાવ્યાની કબુલાત કરી હતી. છેલ્લા 10 દિવસમાં ઈ સીગારેટનો ત્રીજો કેસ નોંધાયો છે.

Advertisement