આણંદમાં રિક્ષામાં દાગીના ચોરી કરનાર બે શખ્સ પકડાયા, બે વોન્ટેડ
વડોદરાની મહિલા આણંદ સ્થિત બોરીયાવી ગામે રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવા આવી હતી. દરમિયાન, પરત ફરતી વેળાએ મુસાફરના સ્વાંગમાં તેમની પાસે બેઠેલી બે મહિલાઓએ વાતોમાં રાખીને તેના દાગીના, રોકડ સહિતની કુલ રૂપિયા 89 હજારની મતાની ચોરી કરી હતી. જે ગુનામાં સંડોવાયેલા બોરસદ અને સુરતના બે શખસોને આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આણંદ શહેરની ગણેશ ચોકડી પાસેથી ઝડપી પાડ્યા હતા.જયારે 2 મહિલાને વોન્ટેડ જાહેર કરાઇ છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ શહેર અને જિલ્લામાં મહિલાઓને રીક્ષામાં મુસાફર તરીકે બેસાડી તેમની નજર ચૂકવી દાગીના ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોય પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન, ટોળકીના બે શખસ રીક્ષા લઈને આણંદ શહેરની ગણેશ ચોકડી પાસે આવવાના હોવાની ચોક્કસ બાતમી મળતાં જ પોલીસે વોચ ગોઠવી હતી. જેમાં બે શખસ આવી ચઢતાં જ પોલીસે તેમના નામ-ઠામની પૂછપરછ કરતા શખસ વિક્રમ છત્રસિંહ રાઠોડ અને તે બોરસદના દહેમીમાં રહેતો હોવાનું અને બીજો સુરતનો હુસૈન ઉર્ફે લંબુ ભીખન શેખ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે રીક્ષાના કાગળીયા બાબતે પૂછતાં કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. વધુમાં રીક્ષાના નંબરના આધારે તપાસ કરતા ગત 8મી ઓગસ્ટના રોજ વડોદરાની મહિલા વિમળાબેન રયજીભાઈ પઢીયાર બોરીયાવી સ્થિત તેમના ભાઈને રાખડી બાંધવા માટે આવ્યા હતા. દરમિયાન, પરત ફરતી વેળાએ તેમને આ શખસોએ રીક્ષામાં બેસાડ્યા હતા. એ સમયે પાછળની સીટ પર તેમની સાથે બેઠેલી બે મહિલાઓએ તેમને વાતોમાં રાખીને સોનાના દાગીના અને રોકડ ભરેલું પર્સ મળી કુલ રૂપિયા 89 હજારની મતાની ચોરી કરી હતી. જેને પોલીસને ફરિયાદ મળી હતી. જે વેરીફાય કરતા બંને શખસોએ ગુનાને અંજામ આપ્યો હોવાનું ખૂલ્યું હતું. પોલીસે વધુ ગુના આચાર્યા છે કે કેમ તેની તપાસ હાથ ધરી છે.
મહિલા મુસાફરને જ રીક્ષામાં બેસાડી વાતોમાં રાખી ચોરી કરતા
પોલીસે બંનેના ગુનાહિત ઈતિહાસની તપાસ કરતા હુસૈન ઉર્ફે લંબુ વિરૂદ્ધ સુરતના ઉધના અને પાંડેસરામાં ચોરીના ચાર ગુના નોંધાયા હતા. બંને શખસ તેમની ઓળખીતી બે મહિલાઓને રીક્ષામાં પાછળ બેસાડી રાખી, ખાસ મહિલા પેસેન્જરને જ રીક્ષામાં બેસાડી વાતોમાં રાખીને દાગીના-રોકડની ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે રીક્ષા અને રોકડ 15 હજાર સહિત કુલ રૂપિયા 65 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.