આણંદમાં માર્ગ સલામતી સમિતિની બેઠક: કલેક્ટર પ્રવિણ ચૌધરીએ આપ્યા દિશાનિર્દેશ
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. કલેક્ટરે માર્ગ સલામતીની કામગીરીની સમીક્ષા કરી વાહનચાલકોની સલામતી માટે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.
આણંદ કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં, કલેક્ટરે વાહનચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જિલ્લાના વિવિધ રસ્તાઓ પર આવશ્યકતા મુજબ સૂચનાઓ સાથેના સાઈન બોર્ડ, સ્પીડ બ્રેકર, સ્પીડ લિમિટ દર્શાવતા બોર્ડ અને રેડિયમ સહિતના બોર્ડ લગાવવા સૂચન કર્યું હતું. તેમણે હાઈવે નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારોના લોકોને સલામતીના કારણોસર રોડ ક્રોસ ન કરવા પણ જણાવ્યું હતું.
બેઠક દરમિયાન, આણંદ જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ દ્વારા ઓક્ટોબર માસમાં મંજૂરી અર્થે રાહવીર લાભાર્થીઓને યોજનાકીય લાભ આપવાની સમીક્ષા પણ કરવામાં આવી હતી. સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ માર્ગ સલામતી માટે વિવિધ કચેરીઓ દ્વારા થયેલી કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર આર.એસ. દેસાઈ સહિત સંલગ્ન કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.