Advertisement

આણંદમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ, LCBએ ઝડપી લીધો

આણંદમાં બોગસ ડોક્ટરનો પર્દાફાશ, LCBએ ઝડપી લીધો

આણંદમાં બોગસ ડોક્ટર બનીને ત્રણ વર્ષથી પ્રેક્ટિસ કરતા એક શખ્સને LCBએ ઝડપી પાડ્યો છે. ઇસ્માઇલનગર વિસ્તારમાં પૂજા ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા પ્રકાશ પ્રમાર્થ બાલા શખ્સ મેડિકલ ડિગ્રી વગર દર્દીઓની સારવાર કરતો હતો.

આણંદ LCB પીઆઇ એચ.આર. બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ, પીએસઆઇ આઈ.જે. રાણા અને સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ તૌસીફઅહેમદ આબીદહુસેનને બાતમી મળી હતી કે ગામડીના ઇસ્માઇલનગર ગલી નંબર 8 સામે પૂજા ક્લિનિકમાં પ્રકાશ બાલા નામનો બંગાળી વ્યક્તિ બોગસ ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે.

આ માહિતીના આધારે LCB પોલીસે આણંદ અર્બન હેલ્થ સેન્ટરના તબીબી અધિકારી ડો. રાજ ઠક્કરને સાથે રાખીને દરોડા પાડ્યા હતા. પૂજા ક્લિનિક ચાલુ હાલતમાં મળી આવ્યું હતું અને ત્યાં હાજર પ્રકાશ બાલા (પશ્ચિમ બંગાળ) નો હોવાનું જણાવ્યું હતું. તેની પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ રજીસ્ટ્રેશનનું કોઈ પ્રમાણપત્ર નહોતું.પોલીસે દવાખાનાની તપાસ કરતા ગેરકાયદેસરની અલગ અલગ પ્રકારની દવાઓ, ડોક્ટરની પ્રેક્ટિસ કરવા માટેના સાધન સામગ્રીનો જથ્થો, એક મોબાઈલ અને રોકડ રકમ મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.28,320/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.પ્રકાશ બાલા મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે સક્ષમ ન હોવા છતાં ડોક્ટર તરીકે દવાખાનું ચલાવતો હોવાથી તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટીસ એક્ટની કલમ મુજબ આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement