Advertisement

આણંદમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ, દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ

આણંદમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ, દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટમાં તાલીમ

આણંદમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે શ્રી દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ ઈન કોમર્સ ખાતે 'ફાયર અવેરનેસ મોકડ્રિલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ ભાવિ પેઢીમાં સુરક્ષા અને જાગૃતિ કેળવવાનો હતો.

આ મોકડ્રિલ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, ફાયર ડ્રાઇવર રવિભાઈ સાબલિયા અને ફાયરમેન સતીશભાઈ બામણીયા સહિતના ફાયર સ્ટાફે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સ્વબચાવ અને અન્યના જીવ બચાવવા અંગેની પ્રાથમિક તાલીમ આપી હતી.

મોકડ્રિલ દરમિયાન, ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્ય માટેના વિવિધ આધુનિક ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આગના પ્રકારો અને અગ્નિશામક ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત સમજૂતી આપીને માહિતગાર કરાયા હતા.

આ પ્રસંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, જો શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિતપણે ફાયર અવેરનેસ તાલીમ આપવામાં આવે, તો યુવા પેઢીમાં સલામતી અંગેની સભાનતા વધશે. આનાથી ભવિષ્યમાં સર્જાતી જાન-માલની હાનિ અટકાવી શકાશે.

Advertisement