આણંદમાં નકલી પોલીસનો ભાંડો ફૂટ્યો: અસલી પોલીસે રંગેહાથ પકડ્યો
મૂંછને આંકડાવાળી, બ્લેકફિલ્મવાળી બ્લેક કલરની બ્રેજા કાર લઇને આણંદની બજારમાં ફરીને પોતે પોલીસ જવાન હોવાનું જણાવીને રોફ જમાવતા નકલી પોલીસ કોન્ટેબલને અસલી પોલીસે ઝડપી પાડ્યો છે. નકલી પોલીસ બનીને ફરતા યુવકનો રોફ એટલો બધો હતો કે અસલી પોલીસ પહોંચી તોય પોતે પોલીસમાં હોવાનું જણાવીને રોફ જમાવ્યો હતો અને આટલાથી ઓછું હોય એમ એની પાસે રહેલું આઇકાર્ડ પણ બતાવ્યું હતું, જોકે અસલી પોલીસે યુવકને ક્યાં ફરજ બજાવે છે એવું પૂછતાં આખો ભાંડો ફૂટી ગયો હતો.
પોલીસને બાતમી મળીતાં પોલીસ સ્થળ પર પહોંચી
ઘટનાની વિગતે વાત કરીએ તો... ગઇકાલે સાંજના સમયે આણંદ ટાઉન પોલીસને બાતમી મળી હતી કે શહેરના તુલસી ગરનાળા નજીક આકાશ ટાઉનશિપ તરફના રોડ પર (GJ-23-CJ-8843) નંબરની કાળા કાચ અને કાળા કલરની બ્રેઝા ગાડીમાં એક શખસ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી રહ્યો છે, જોકે તે પોલીસ નથી. તેની પાસે બનાવટી પોલીસ આઇડી અને પોલીસ લખેલી પ્લેટ પણ છે.
અસલી પોલીસ સામે પણ પોતે પોલીસમાં હોવાનો દાવો કર્યો
બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં બાતમી મુજબની ગાડી પાર્ક કરેલી હતી અને એમાં એક વ્યક્તિ બેઠેલી હતી. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર (રહે. રઘુકુળ સોસાયટી, મોગર, તા.આણંદ) જણાવ્યું હતું અને પોતે પોલીસમાં હોવાનો દાવો કરી પેન્ટના ખિસ્સામાંથી ગુજરાત પોલીસનું આઇડી કાર્ડ બતાવ્યું હતું.
ફરજના સ્થળ વિશે પૂછતાં આરોપીની પોલ ખૂલી
જોકે પોલીસે ફરજના સ્થળ વિશે પૂછપરછ કરતાં સુરેન્દ્રસિંહ ભાંગી પડ્યો હતો અને તેણે કબૂલ્યું હતું કે આ પોલીસ આઈડી કાર્ડ બનાવટી છે. પોલીસે તેની અટકાયત કરી તલાશી લેતાં તેના ખિસ્સામાંથી બે મોબાઇલ ફોન તેમજ મીડિયાનું આઈડી કાર્ડ મળ્યાં હતાં.
ગાડીમાંથી પોલીસ લખેલી નેમપ્લેટ પણ મળી
વધુમાં તેની ગાડીમાંથી લાલ તથા વાદળી કલરના રેડિયમ પટ્ટાવાળી અંગ્રેજીમાં 'પોલીસ' લખેલી પ્લેટ પણ મળી આવી હતી, જે પોલીસે જપ્ત કરી છે. પકડાયેલા સુરેન્દ્રસિંહ ભરતસિંહ લુહાર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 204, 205, 336(2), 340(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નકલી આઇકાર્ડ પર ફોટો પણ હતો
સુરેન્દ્રસિંહ પાસેથી મળેલું બનાવટી પોલીસ આઈડી. કાર્ડમાં ઓળખપત્ર નંબર 961 અને ઇસ્યુ તારીખ 28/05/2014 દર્શાવવામાં આવી હતી. કાર્ડધારકનું નામ સુરેન્દ્રસિંહ ભરતસિંહ અને હોદ્દો 'પોલીસ કોન્સ્ટેબલ' એમ અંગ્રેજી ભાષામાં લખેલું હતું તેમજ કાર્ડ પર સુરેન્દ્રસિંહનો ફોટો પણ હતો.
'હું ક્રાઈમ બ્રાન્ચમાં છું, તારી પર કેસ થયો છે’
ત્રણેક દિવસ અગાઉ રાજકોટમાં નકલી પોલીસ બની લોકોને લૂંટી લેતા શખસે એક જગ્યાએ 20 હજારનો તોડ કરતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, જોકે નકલી પોલીસ બનીને ગયેલા શખસને અસલી પોલીસે પીછો કરી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ શખસ પર અગાઉ 5-5 વખત નકલી પોલીસ બની તોડ કરવાના કેસમાં એક વખત પાસા હેઠળ પણ ધકેલાઈ ચૂક્યો હતો. આમ છતાં ફરી જેલમાંથી બહાર આવી પોલીસના નામે લૂંટ ચલાવતાં આખરે પોલીસે તેને છઠ્ઠી વખત ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
એકાદ મહિના અગાઉ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મંજુસર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દુમાડ ગામ પાસે ગત મોડીરાત્રે 'દૂધની ગાડીમાં દારૂની હેરાફેરી કરો છો' એમ કહી નકલી પોલીસનો સ્વાંગ રચીને 1.87 લાખ રોકડ અને બે મોબાઈલનો તોડ કરીને ફરાર થઇ ગયેલા 4 આરોપીને સ્વિફ્ટ કાર મોબાઈલ અને રોકડ મળી 2,50,500 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપીને જેલ ભેગા કર્યા હતા
સાતેક મહિના અગાઉ વડોદરા શહેરમાં મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નકલી પોલીસ બની પૈસા પડાવતા 2 શખસને પોલીસે ઝડપી પાડ્યા હતા. બંને પાસેથી 20,070 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. શહેરના આજવા રોડ પર આવેલી ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા મિલિંદ ભૂપેન્દ્રભાઇ ગાંગુડે અને તેનો મિત્ર દેવ બાઇક લઇને તરસાલી બ્રિજથી આજવા બ્રિજ તરફ જતા હાઇ-વે પર આવેલા ઝીલીઓન કોમ્પ્લેક્સથી થોડા આગળ એક ઝૂંપડા પાસે ઊભા રહ્યા હતા. આ દરમિયાન પોલીસ તરીકેની ઓળખાણ આપનાર વિજયસિંહ પ્રવીણસિંહ રાઠોડ અને તેની સાથે મયંકભાઇ વિજયભાઈ માલીએ ભેગા મળીને વિજય રાઠોડે ફરિયાદીની ફેટ પકડી હતી અને કહ્યું હતું કે અહીં કેમ તમે આવ્યા છો? શું ખોટા ધંધા કરો છો? એમ કહી ફરિયાદીને ખોટા પોલીસ કેસમાં ફસાવી દઇશ એમ કહીને બળજબરીપૂર્વક ફરિયાદી પાસેથી રૂપિયા 20 હજાર રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા અને ફરિયાદીના સાથે રહેલા તેના મિત્ર દેવ પાસેથી રૂપિયા પડાવ્યા હતા અને વિજય રાઠોડે ફરિયાદીના મિત્ર દેવને બે-ત્રણ લાફા ગાલ પર માર્યા હતા