આણંદમાં દબાણ સામે મનપાની કાર્યવાહી, 13 દુકાનદારોને નોટિસ
કરમસદ આણંદ મનપા કમિશ્નર દ્વારા શહેરના માર્ગો ખુલ્લા કરવાની સાથે રાહદારી કોઇ અગવડના પડે તે માટે ફૂટપાથ થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટેની ખાસ ઝુંબેશ હાથ ધરી છે. જેના ભાગરૂપે આણંદ શહેરના ટીપી 1માં આવેલા 15.24 કિમીના ટીપી રોડ પર ટુંકી ગલી થી લઇને મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ગેરકાયદે બાંધકામ કરીને દબાણ કરનાર 13 દુકાનદારોને નોટીસ ફટકારીને દિન 10માં દબાણો દૂર કરવા જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ આણંદ મનપા દ્વારા શહેરના માર્ગો ખુલ્લા કરવાના હેતુથી કમિશ્નર મિલિન્દ બાપના જાતે ટીમે સાથે નીકળીને જૂના નકશાના માપ મુજબ માપણી કરીને ગેરકાયદે થયેલ દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ટીપી 1માં આવેલા 15.24 કિલોમીટરના ટીપી રોડ આણંદ ટૂંકી ગલી થી મહાત્મા ગાંધી સ્ટેચ્યુ સુધી સાર્વજનિક રોડ ઉપર તપાસ કરતાં 13 દુકાનદારો દ્વારા બાંધકામ ખોટી રીતે કરીને ફૂટપાથ અને રસ્તા પર દબાણ કર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને ધ્યાને લઇને આ બાંધકામ દબાણ દૂર કરવા માટે ગુજરાત પ્રોવિનશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949 તથા ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1976 અંતર્ગત નોટિસ આપવામાં આવી છે.
આ નોટીસ મળ્યા ના 10 દિવસમાં સાર્વજનિક રોડ ઉપર કરવામાં આવેલ બાંધકઅને દબાણ જે તે કબજેદાર અને દુકાનદાર દ્વારા દૂર કરવામાં નહીં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા કાયદાની જોગવાઈઓને આધીન રહી દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવશે અને તે અંગેનો તમામ ખર્ચ જે તે કબજેદાર પાસેથી વસૂલ કરવામાં આવશે જેની ગંભીર નોંધ લેવા માટે કરમસદ આણંદ મનપાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલ નોટિસમાં જણાવવામાં આવ્યું છે.
આણંદ શહેરના તમામ માર્ગો પર ગેરકાયદે બાંધકામ ફૂટપાથ ગાયબ
આણંદ શહેરના સ્ટેશન રોડ, જૂના બસ સ્ટેશન રોડ, જૂના રસ્તા, ગામડીવડ સહિત વિદ્યાનગર રોડ પર કેટલાંક દુકાનદારો દ્વારા ગેરકાયદે બાંધકરીને 2 થી 3 ફૂટ બહાર કાઢીને દબાણ કર્યું છે. જેના કારણે માર્ગ સાંકડા બની ગયા છે. તો વળી કેટલીંક જગ્યાએ ફૂટપાથ પર દબાણ કરી દેતા ગાયબ થઇ ગયા છે. જેના કારમે રાહદારીઓને રોડ પર ચલાવવાનો વખત આવતાં અકસ્માત થવાનો ભય રહે છે. તો વળી જૂના બસ સ્ટેન્ડથી સીવીલ હોસ્પિટલ તરફ જવાના રસ્તા પર દુકાનદારો ફૂટપાથ છોડીને રોડ ઉપર લોખંડની જાળી મુકીને રસ્તો બનાવતા વાહનચાલકોને હાલાકી પડી રહી છે.