આણંદમાં જાહેર રોડ પર છરા વડે કેક કાપી ફટાકડા ફોડનાર શખ્સ ઝડપાયો
આણંદ શહેરમાં આવેલ વ્યાયામ શાળા નજીક જન્મદિવસ નિમિત્તે જાહેર રોડ ઉપર છરા વડે કેક કાપી અને લોકોને અડચણરૂપ બનીને ફટાકડા ફોડી ભયનો માહોલ ઉભો કરવાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયો આધારે આણંદ શહેર પોલીસે તપાસ હાથ ધરી કેક કાપી ભયનો માહોલ ઉભો કરનાર આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારના એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ જિલ્લામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર અવાર નવાર વાયરલ થતા વિડીયો ઉપર દેખરેખ રાખી આવા બનાવો અટકાવવા આપેલી જિલ્લા પોલીસ વડાએ સુચના આપી હતી આણંદ શહેર પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મારફતે એક વિડીયો જોવામાં આવ્યો હતો.આ વીડિયોમાં એક શખ્સ જાહેરમાં છરાવડે કેક કાપતો હોવાનું તેમજ લોકોને અડચણરૂપ થાય તે રીતે ફટાકડા ફોડી દહેશતનો માહોલ ઉભો કરી રહ્યો હોવાનુ જણાઈ આવ્યું હતું. અને વિડિયો આધારે તપાસ કરતા આણંદ શહેરમાં લોટીયા ભાગોળ વિસ્તારમાં વડવાળા ફળીયામાં રહેતો જયદીપ ગોવિંદભાઈ ગોહેલે ગત તા 23મીને મંગળવારના રોજ પોતાનો જન્મદિવસ હોવાથી રાત્રિના નવ વાગ્યાના અરસામાં આણંદ શહેરમાં લોટીયા ભાગોળ વ્યાયામશાળા નજીક પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર રોડ ઉપર છરાવડે કેક કાપી તેમજ લોકોને અડચણરૂપ ફટાકડા ફોડી ભયનો માહોલ ઉભો કર્યો હોવાનું જણાઈ આવતા આણંદ શહેર પોલીસની ટીમે જયદીપ ગોવિંદભાઈ ગોહેલ વિરુદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.