આણંદમાં ક્લિનિકલ એક્ટ અંતર્ગત 1083 હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન
ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અંતર્ગત હોસ્પિટલોએ ઓનલાઇન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે, જે અંતર્ગત જનરલ હોસ્પિટલ, આણંદ ખાતે કુલ 1083 અરજીઓને ઓનલાઇન મંજૂર કરવામાં આવી છે. તેમ જનરલ હોસ્પિટલના મુખ્ય સિવિલ સર્જન દ્વારા જણાવવામાં આવ્યું છે.
આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત રજીસ્ટ્રેશન અંગેની માહિતી મળી શકે તે હેતુસર જાણકારી આપવામાં આવી છે, અને આણંદના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, આણંદ હોમિયોપેથીક એસોસિએશન અને આણંદ આયુર્વેદિક એસોસિએશનને પણ આણંદ જિલ્લામાં આવેલ તમામ ચિકિત્સા સંસ્થાઓનું વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન થાય તે માટે જાણ કરવામાં આવી છે. આણંદ જિલ્લાની રજીસ્ટ્રેશન થયેલ હોસ્પિટલની જાણકારી સહિતની વિગતો અને સમીક્ષા માટે આણંદ જિલ્લા કલેકટર અને ચેરમેન ઓથોરિટી અધ્યક્ષસ્થાને દર ત્રણ મહિને આ બાબતે બેઠક કરવામાં આવે છે.
આણંદના સિવિલ સર્જનના જણાવ્યા મુજબ હાલમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે કરવામાં આવેલ અરજીઓ પેન્ડિંગ નથી.આમ, આણંદ જિલ્લામાં આવેલી તમામ ચિકિત્સા સંસ્થાઓએ વહેલામાં વહેલી તકે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.