આણંદમાં અઢી ઇંચ વરસાદ: વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આણંદ શહેરના છેલ્લા એક સપ્તાહથી સામાન્ય વરસાદી છાટાં વચ્ચે ઉઘાડ રહેતા અસહ્ય ગરમીનો અનુભવ વર્તાતો હતો. જો કે શનિવાર મોડી રાત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થયો હતો. જો કે રવિવાર વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો હતો. ધીમી ગતિ વરસાદ વરસી રહ્યો હતો.
બપોરના 12 થી 3 દરમિયાન ત્રણ કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો.જેના કારણે શહેરના લોટિયા ભાગોળ, જાગનાથ મહાદેવ, મંગળપુરા, રૂપાપુરા,રાજોડપુરા, પાધરિયા વિસ્તાર, અમીનામંજીલ, ઇસ્માઇલ નગર, પરિવાર પાર્ટી પ્લોટ વિસ્તાર, જકાતનાકા વિસ્તાર, ભવનાથ મહાદેવ વિસ્તાર, ઇન્દિરા સ્ટેચ્યુ , 80 ફૂટ રોડ , પ્રાપ્ત સર્કલ પાસેની સોસાયટી અને પાલિકાની સોસાયટીઓમાં ઢીંચણસમા પાણી ભરાઇ ગયા હતા.
જેને લઇને નગરજનોને ભારે હાલાકી વેઠવાનો વખત આવ્યો હતો.
રવિવારે સવારથી વરસાદી માહોલ છવાયો હતો. જેના કારણે શહેરના ગામડીવડ વિસ્તાર, ઇન્દિરા સ્ટેચ્યુ, આઇટીઆઇ પાસે મુખ્ય માર્ગ તેમજ નવા બસ સ્ટેશન નજીક વરસાદી પાણી માર્ગો પરથી દોઢ ફૂટ વહેતા જોવા મળ્યાં હતા.
જેના કારણે ટુ વ્હીલર ચાલકો પાણીમાંથી પસાર થતાં બંધ પડી જતાં વાહનચાલકોને ધક્કો મારીને બહાર કાઢવાની ફરજ પડી હતી. જ્યારે ઇસ્માઇનગર અને અમીના મંજિલ પાસે સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઇને સ્થાનિક રહીશોને ઘરની બહાર નીકળી શકતા ન હતા.