આણંદ શહેરના સામરખા ચોકડી નજીક આવેલા જવાહર નગરમાં એક લગ્ન પ્રસંગમાં વર અને કન્યા પક્ષ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. લેવડ-દેવડની સામાન્ય બાબતે શરૂ થયેલી આ મારામારીમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના મંગળ ફેરા બાદ બની હતી.
ધંધુકાથી આવેલી જાન જવાહર નગરમાં પહોંચી હતી. લગ્ન વિધિ સુખરૂપ સંપન્ન થઈ ગઈ હતી અને નવદંપતીએ સાત ફેરા પણ ફરી લીધા હતા. જોકે, લગ્ન પૂર્ણ થયા બાદ રીત-રિવાજ મુજબની લેવડ-દેવડ અને વ્યવહાર બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી, જેણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું.
બોલાચાલી વધતા લગ્ન મંડપ રણમેદાનમાં ફેરવાઈ ગયો હતો. બંને પક્ષના લોકો સામસામે આવી ગયા અને છૂટા હાથની મારામારી શરૂ કરી. મંડપમાં પડેલી ખુરશીઓ, લાકડીઓ અને પથ્થરો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો. આ હિંસક ઝઘડામાં વર અને કન્યા પક્ષના કુલ 8થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. આ મારામારીના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જે વર-કન્યાની વિદાય થવાની હતી, તેમને પોલીસ મથકે જવું પડ્યું. પોલીસે બંને પક્ષોને શાંત પાડી કાયદાકીય ગૂંચવણ ટાળવા માટે સમજાવટના પ્રયાસો કર્યા.
પોલીસની મધ્યસ્થી બાદ બંને પક્ષો વચ્ચે સમાધાન થયું હતું. આખરે મોડી રાત્રે પોલીસ મથકેથી જ કન્યાની વિદાય કરવામાં આવી હતી અને સમગ્ર મામલો થાળે પડ્યો હતો.