આણંદ શહેરમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડવાનો મામલો સામે આવ્યો છે. આણંદ શહેરમાં આવેલી એસઓજી કચેરીની સામે જ વિદેશી દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળતાં એસઓજી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે.
ચોંકાવનારી વાત એ છે કે એસઓજી કચેરીથી માત્ર 20 મીટર જેટલા અંતરે વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી છે. રાજ્યમાં કડક દારૂબંધી લાગુ હોવા છતાં, કાયદાના રક્ષકોની “નાક નીચે” દારૂની મહેફિલો ચાલી રહી હોવાની ચર્ચા જોર પકડી રહી છે.સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો એસઓજી જેવી વિશેષ પોલીસ કચેરીની સામે જ દારૂની ખાલી બોટલો મળી આવે તો પછી, તો શહેરના અન્ય વિસ્તારોમાં શું હાલત હશે? દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની બોટલો શહેરમાં ક્યાંથી આવે છે, કોણ તેને સપ્લાય કરે છે અને કોની મિલીભગતથી આ બધું ચાલી રહ્યું છે , એ તમામ પ્રશ્નો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.આ ઘટનાએ ગુજરાતની દારૂબંધીની અમલવારી પર મોટો પ્રશ્નચિહ્ન મૂક્યો છે. હવે જોવાનું રહ્યું કે ઉચ્ચ અધિકારીઓ આ મામલે શું પગલાં લે છે અને જવાબદાર તત્વો સામે ખરેખર કડક કાર્યવાહી થાય છે કે પછી આ મામલો પણ અન્ય કિસ્સાઓની જેમ દબાઈ જાય છે.