Advertisement

આણંદની આયરિસ હોસ્પિટલ કેસમાં મોટો ખુલાસો: આંતરડું પંકચર થવાથી દર્દીનું મોત

આણંદની આયરિસ હોસ્પિટલ કેસમાં મોટો ખુલાસો: આંતરડું પંકચર થવાથી દર્દીનું મોત

આણંદની આયરિસ હોસ્પિટલ કેસમાં મોટો ખુલાસો: આંતરડું પંકચર થવાથી દર્દીનું મોત

આણંદ શહેરના લાંભવેલ રોડ ઉપર આવેલી આઈરીશ હોસ્પીટલમાં ગત ૧૯મી ફેબ્રુઆરીના રોજ સાંજના સુમારે પાઈલ્સના ઓપરેશન બાદ કઠલાલના એક દર્દીના થયેલા મોતની તપાસ શહેર પોલીસે પુર્ણ કરીને સમગ્ર અહેવાલ એકાદ-બે દિવસમાં સિવિલ સર્જનને મોકલી આપવામાં આવનાર છે. જેથી હવે સૌની નજરો સિવિલ સર્જન ઉપર સ્થિર થયેલી જોવા મળે છે. સિવિલ સર્જનની અધ્યક્ષતામાં બનનારી કમિટિ અહેવાલના આધારે ડોક્ટરની નિષ્કાળજી હતી કે કેમ તે નક્કી કરશે તેમ જાણવા મળ્યું છે.

જો કે હકીકતમાં આ કિસ્સો એવો છે જેમાં પોલીસ મામલા સાથે સંકળાયેલ બાબતોની તપાસ કરે પરંતુ પી.એમ. રિપોર્ટનું તબીબી રીતે અર્થઘટન પોલીસ ન કરી શકે. દર્દીના શરીરની અંદર સર્જાયેલ સ્થિતિ અંગે સિવિલ સર્જનનો જ રિપોર્ટ મહત્વનો બનશે. કારણ કે દર્દીનું મોત આંતરડામાં પંકચર થઇ જવાના કારણે પરુંનું ઇન્ફેકશન થતા મોત થયાનો એફએસએલ, ગાંધીનગરના રિપોર્ટમાં જણાવાયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ રોડ ઉપર આવેલા કઠલાલ ગામના ચૌહાણપુરા ખાતે રહેતા જયદિપકુમાર જેસંગભાઈ સોઢા પરમાર (ઉ. વ. ૪૦)ને પાઈલ્સની તકલીફ હોય, આણંદ શહેરની આઈરીશ હોસ્પીટલમાં ગત ૧૩મી તારીખના રોજ દાખલ કરવામાં આવ્યો હતો અને ૧૪મી તારીખના રોજ ડોક્ટર અપુર્વ પટેલ દ્વારા સ્ટેપ્લર પીનવાળુ ઓપરેશન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ બીજા દિવસે રજા આપી દેવામાં આવતા તેને ઘરે લઈ જવામાં આવ્યો હતો. જો કે એક દિવસ બાદ જ તેની તબિયત લથડી હતી અને પેટમાં ગેસના ભરાવાની બુમો પાડવા લાગ્યો હતો. જેથી તેને ગત ૧૭મી તારીખના રોજ પુન: આઈરીસ હોસ્પીટલમાં લઈ જવામા ંઆવ્યો હતો. જ્યાં સીટી સ્કેન કરતા આંતરડામાં પંક્ચર થઈ ગયેલાનું જોવા મળ્યું હતુ. ત્યારબાદ તેની હાલત નાજુક થઈ જવા પામી હતી અને ૧૯મી તારીખના રોજ સાંજના સુમારે એકાએક તેનું મોત થયું હતુ. દર્દીના મોત પાછળ ડોક્ટરની નિષ્કાળજી જ જવાબદાર છે તેમ જણાવીને ભારે હોબાળો કરી મુકવામાં આવ્યો હતો. જેને લઈને શહેર પોલીસની ટીમ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતદેહનો કબ્જો લઈને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ખરેખર દર્દીનું મોત કયા કારણોસર થયું છે, તે જાણવા માટે મૃતદેહને કરમસદની હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કર્યા બાદ મોતનું સાચુ કારણ જાણવા માટે વીસેરા લઈને ગાંધીનગર એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ આવી જવા પામ્યો છે અને દર્દીનું મોત આંતરડામાં પંક્ચર થઈ જવાને કારણે પરુનું ઈન્ફેક્શન થતા મોત થયાનો ખુલાસો થવા પામ્યો હતો. પોલીસે બે મહિનાની તપાસ દરમ્યાન દર્દીના સગા, ઓપરેશન કરનાર ડોક્ટર, સ્ટાફ, સહિત લાગતા વળગતા તમામના આ કેસ સંદર્ભે નિવેદનો લીઘા હતા. ત્યારબાદ એફએસએલનો રીપોર્ટ, દર્દીની સારવારના કાગળો સહિત તમામ દસ્તાવેજી કાગળો એકત્ર કરીને રીપોર્ટ તૈયાર કરી દીધો છે.જે એકાદ-બે દિવસની અંદર સિવિલ સર્જનને મોકલી આપવામાં આવનાર છે.

સિવિલ સર્જનની કમિટિ ડોક્ટરની નિષ્કાળજી અંગે નિર્ણય કરશે : પીએસઆઈ
સમગ્ર કેસની તપાસ કરી રહેલા સરદારબાગ ચોકીના પીએસઆઈ એસ. બી. ઝાલાએ જણાવ્યું હતુ કે, પોલીસ દ્વારા આ બાબતે દાખલ કરાયેલ અકસ્માતે મોતનો ગુનાની તપાસ પુર્ણ કરી લીઘી છે અને કેસને સંબંધિત તમામ દસ્તાવેજી કાગળો મેળવી લઈને લાગતા વળગતા તમામના નિવેદનો લઈ લીઘા છે. હવે સમગ્ર અહેવાલ સિવિલ સર્જનને મોકલી આપવામાં આવનાર છે. સિવિલ સર્જન દ્વારા તમામ કાગળોનો અભ્યાસ કરીને ડોક્ટરની નિષ્કાળજી છે કે કેમ તે નક્કી કરશે. જો ડોક્ટરની નિષ્કાળજીને કારણે દર્દીનું મોત થયાનો રીપોર્ટ આવશે તો પોલીસ દ્વારા ડોક્ટર વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરવામાં આવશે તેમ જણાવ્યું હતુ. તેઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતુ કે, સમગ્ર તપાસ પ્રક્રિયાને સમય જશે.

Advertisement