આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા...' વિસાવદરમાં જીત બાદ ગોપાલ ઈટાલિયાની પહેલી પ્રતિક્રિયા
ગુજરાતની બે વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાની 17,581 મતથી ભવ્ય જીત થઈ છે, જ્યારે કડી બેઠક પર ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાએ 38,904 મતની જંગી સરસાઈથી જીત હાંસલ કરી છે. આ દરમિયાન મત ગણતરી કેન્દ્ર બહાર આપના કાર્યકર્તાઓએ ગોપાલ ઇટાલિયાને ખભા પર બેસાડીને ઉજવણી કરી હતી. અહીં કાર્યકરોએ 'જય ગોપાલ'ના નારા લગાવ્યા હતા.
ગુજરાતની જનતાના આશીર્વાદનો વિજય વિસાવદરની પેટા ચૂંટણીમાં ભાજપને કારમી હારનો સ્વાદ ચખાડ્યા બાદ આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'આ જીતથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે. આ લડાઇ એકતરફી સત્તા, પૈસા, દારૂ, ગુંડા અને અહંકાર સામે હતી, તો બીજી તરફ આમ તરફ આમ જનતાની આશા અને વિશ્વાસ હતો. એક તરફ સત્તાનું અભિમાન હતું અને બીજી તરફ હું ગામડે ગામડે ગયો, જ્યાં દીકરીઓના કુમળા હાથે લીધેલા દુઃખણાનો વિજય થયો છે. મારી માતાઓએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે. મારા ખેડૂ માવતરોએ આપેલા આશીર્વાદનો વિજય થયો છે.’