આંકલાવના નવાખલની બાળકીની હત્યામાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું
આણંદ : આંકલાવ તાલુકાના નવાખલ ગામની પાંચ વર્ષની બાળકીનું અપહરણ કર્યા બાદ દુષ્કર્મ ગુજારી ગળું દબાવી હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેનારા આરોપીને સાથે રાખી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. કોર્ટે આરોપીના ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગઈકાલ રાતે મૃતક બાળકીની અંતિમયાત્રામાં ગામ હિબકે ચડયું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આંકલાવ તાલુકાના નવાખલ ગામના અજય પઢિયારે તા. ૩૦મી ઓગસ્ટે ગામની પાંચ વષય માસુમ બાળકીને મકાઈ અપાવવાની લાલચ આપી બાઈક ઉપર અપહરણ કરી લઈ ગયો હતો. ઘરેથી આરતી કરવા ગયેલી બાળકી પરત ના ફરતા પરિવારજનોએ આંકલાવ પોલીસમાં જાણ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે અજય પઢિયારને ઝડપી પાડી પૂછપરછ કરતા તે અવારનવાર નિવેદનો બદલતો હતો. પ્રથમ તેણે નદી કિનારે બાળકીનો પગ લપસી જતા તણાઈ ગઈ હોવાનું કહ્યું હતું. ત્યારબાદ ભુવાના કહેવાથી બાળકીની હત્યા કરી નદીમાં પધરાવી દીધી હોવાનું જણાવ્યું હતું. ગતરોજ નિઝામપુરા નજીક મીની નદીમાંથી મળેલા બાળકીના મૃતદેહના પીએમ રિપોર્ટમાં દુષ્કર્મ ગુજારાયું હોવાનું ખૂલ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા અજય પઢિયારે દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીએ પરિવારજનોને જાણ કરી દેવાનું કહેતા ગળું દબાવી હત્યા કરી લાશ નદીમાં ફેંકી દીધી હોવાનું જણાવ્યું હતું. નવાખલ ગામમાં ગઈકાલ રાતે બાળકીની અંતિમયાત્રામાં સમગ્ર ગામ જોડાવ્યું હતું. અજય પઢીયારના કૃત્યને લઈ ગામમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આંકલાવ પોલીસે અજય પઢિયારને રજૂ કરી સાત દિવસના રિમાન્ડની કોર્ટમાં માંગણી કરી હતી. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આજે પોલીસે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું. આ અંગે આંકલાવ પીઆઈ પી.જે. બાટવાએ કહ્યું હતું કે, સમગ્ર કેસમાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી બાળકીને વહેલો ન્યાય મળે અને આરોપીને સખત સજા થાય તે માટે કાર્યવાહી કરવામાં આવશે.
નવાખલ ગામની બાળકીની હત્યા મામલે આંકલાવના વકીલોએ એકજૂથ થઈ આરોપીનો કેસ લડવા ઇનકાર કર્યો છે. વકીલોએ બાળકી તરફે કોઈ પણ ફી લીધા વિના કેસ લડી આરોપીને સખતમાં સખત સજા અપાવવાનો નિર્ણય કર્યો છે.