અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં પણ સરવડા વરસશે
રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે. તારીખ 3 જુલાઈ બાદ રાજ્યભરમાં મેઘો મૂશળધાર વરસશે. આજે પણ રાજ્યમાં ભારે વરસાદ વરસવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી. હાલ બંગાળના ઉપસાગર અને અરબ સાગરથી આવતી ભેજવાળી હવાઓના લીધે વરસાદી માહોલ છવાયો છે. તો તારીખ 6 જુલાઈ આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદની બીજી સિસ્ટમ સક્રિય થશે. જેના લીધે 10 જુલાઈ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે.એટલે કે અષાઢમાં અનરાધાર, શ્રાવણમાં પણ સરડવા વરસશે. રાજ્યમાં જૂન માસમાં સરેરાશ કરતા 115 ટકા વધુ વરસાદ વરસ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં 105 ટકા વધુ પાણી પડ્યું છે.છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં મેઘમહેર થઇ છે જેમાં સૌથી વધુ તાપીના વ્યારામાં ચાર ઈંચ, જામનગરના કાલાવડમાં સાડા ત્રણ ઈંચ અને પોરબંદરના રાણાવાવમાં પણ ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 6 જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ, વડોદરા સહિતમાં ભારે વરસાદ વરસી શકે છે અને આજે 15 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહિસાગર, અરવલ્લી, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સામાન્ય રીતે ગુજરાતમાં જૂન મહિનામાં સરેરાશ 110.8 મિમી (4.43 ઇંચ) વરસાદની જરૂરિયાત હોય છે. તેની સામે 288.7 મિમી (11.55 ઇંચ) વરસાદ મળ્યો છે. જરૂરિયાત કરતાં 161% વધુ વરસાદે 44 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. 125 વર્ષના ઇતિહાસમાં જૂન મહિનામાં સૌથી વધુ 298.3 મિમી (11.93 ઇંચ) વરસાદ 1980 માં નોંધાયો હતો. એટલે કે, આ વખતે 44 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ સાથે 125 વર્ષનો બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2024 માં જૂનમાં રાજ્યમાં મેઘરાજાની 9 દિવસની હાજરી સામે ચાલુ સિઝનમાં જૂનના 16 દિવસની હાજરી આપી છે. રાજ્યના 5 ઝોનમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 19 દિવસ અને કચ્છમાં સૌથી ઓછા 8 દિવસ મેઘરાજા વરસ્યા છે. ઉલ્લેખનિય છે કે, સામાન્ય રીતે જે દિવસે 2.5 મિમી કે તેથી વધુ વરસાદ વરસે તેને વરસાદનો 1 દિવસ ગણવામાં આવે છે.
14 જળાશયો સંપૂર્ણ ભરાયાં
રાજ્યમાં જૂનમાં મળેલા સિઝનનો 32.73 ટકા વરસાદે 206 જળાશયોમાં 6.88 ટકા જળસંગ્રહ વધ્યું છે. સૌરાષ્ટ્રના 141 જળશયોમાં સૌથી વધુ 22.77 ટકા જળસંગ્રહ વધ્યું છે. મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 11.42 ટકા, ઉ.ગુ.ના 15 જળાશયોમાં 8.66 ટકા, કચ્છના 20 જળાશયોમાં 1.57 ટકા અને દ.ગુ.ના 13 જળાશયોમાં 0.66 ટકા જળસંગ્રહ વધ્યું છે.