અમૂલ ડેરીની નજીક ચેઇન સ્નેચીંગ: મહિલાના ગળામાં પહેરેલું મંગળસૂત્ર છીનવાયું
આણંદ શહેરમાં અમૂલ ડેરી નજીક શુક્રવારે રાત્રે એક ચોંકાવનારી ચેઈન સ્નેચીંગની ઘટના બની છે. એક મહિલા રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે પૂરઝડપે આવેલા બાઈક સવારે તેના ગળામાં પહેરેલું મંગળસૂત્ર આંચકી તોડીને ભાગી ગયો.
અચાનક બનેલી આ ઘટનાથી ડઘાઈ ગયેલી મહિલાએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં બાઈક સવાર અંધારામાં ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ આણંદ શહેર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ એકત્રિત કર્યા છે અને આજુબાજુના લોકોની પૂછપરછ શરૂ કરી છે.
પોલીસે આરોપીને પકડવા માટે વિસ્તારમાં તપાસ અભિયાન તેજ કર્યું છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પ્રકારની ઘટનાઓથી વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે અને સ્થાનિક રહેવાસીઓ સાંજ પછી બહાર નીકળતા સાવચેતી રાખી રહ્યા છે.