Advertisement

અમિત શાહ ગુજરાતમાં! ₹1506 કરોડનાં વિકાસકાર્યોની મેગા ભેટ

અમિત શાહ ગુજરાતમાં! ₹1506 કરોડનાં વિકાસકાર્યોની મેગા ભેટ

કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસ (5થી 7 ડિસેમ્બર) ગુજરાતની મુલાકાતે છે. આ દરમિયાન ₹1506 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરીને અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકોને વિકાસકાર્યોની ભેટ આપશે. સૌથી પહેલા તેમમે GMDC ગ્રાઉન્ડમાં યોજાયેલા સ્વદેશોત્સવ કાર્યક્રમમાં સ્ટોલ નિહાળ્યા હતા. આ સમયે તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ હતા. ત્યાર બાદ તેઓ આગામી કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થઈ ગયા હતા.

સ્વદેશોત્સવમાં અલગ-અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ

અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં સ્વદેશી જાગરણ મંચ દ્વારા સ્વદેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વદેશોત્સવમાં અલગ-અલગ સ્વદેશી વસ્તુઓના આકર્ષક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. મુખ્ય અભિયાનો- પર્યાવરણ સંકલ્પ, સ્ટાર્ટઅપ ઉડાન, સ્વદેશી સંકલ્પ, સ્વાવલંબન અને માતૃશક્તિની ભૂમિકા, સાયબર સિક્યોરિટી જાગૃતિ, આયુર્વેદ અને સ્વાસ્થ્ય પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી પર સ્ટોલ રાખવામાં આવ્યા છે. આ સ્વદેશોત્સવ કાર્યક્રમ 5 દિવસ સુધી ચાલશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરિયાનો ગૌ માતા આધારિત પ્રોડક્ટનો સ્ટોલ

આ સ્વદેશોત્સવમાં સૌથી વધુ ગૌ માતા આધારિત પ્રોડક્ટના સ્ટોલ જોવા મળી રહ્યા છે, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથીરિયાએ પણ સ્ટોલ કર્યો છે. વલ્લભ કથીરિયાએ રખડતાં ઢોરનો ત્રાસ અટકાવવા ગોબર અને ગૌમૂત્રના પ્રોડક્શન પર અલગ અલગ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરી છે.

ગાંધીનગરમાં અર્થ સમિટમાં આપશે હાજરી

અમદાવાદનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ અમિત શાહ ગાંધીનગર રવાના થશે. તેઓ બપોરના 12 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે નાબાર્ડ દ્વારા યોજાનારી ‘અર્થ સમિટ 2025’ના સમાપન સમારોહમાં હાજરી આપશે. બાદમાં ગાંધીનગરના તળાવના ઇન્ટરલિંગને લઈ સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. બાદમાં બપોરે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલાં નવાં બગીચા, યોગ સ્ટુડિયો, સ્પોટ્સ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. સાંજના 5 વાગ્યા સુધી ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ ફરી અમિત શાહ અમદાવાદ પરત ફરશે.

તેઓ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના નારણપુરા ખાતે વીર સાવરકર કોમ્પ્લેક્સમાં સાંસદ ખેલ મહોત્સવના સમાપન કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં સાંજે 6:30 વાગ્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર દ્વારા આયોજિત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025નું સિંધુભવન રોડ ખાતેથી શરૂઆત કરાવશે. આવતીકાલે એટલે કે 6 ડિસેમ્બરના રોજ તેઓ બનાસકાંઠા જિલ્લાના વાવ અને થરાદ ખાતેના કાર્યક્રમોમાં હાજરી આપશે.

આજે ગાંધીનગરમાં 68 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ

આજે કેન્દ્રીય અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં 68 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રકલ્પોમાં બગીચાઓનું આધુનિકીકરણ, યોગ સ્ટુડિયો, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફોર-લેન રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે, જે શહેરને વધુ 'લવેબલ' અને 'લિવેબલ' બનાવશે.

એક સમયે માત્ર કર્મચારીઓના નગર તરીકે ઓળખાતું ગાંધીનગર હવે જીવંત શહેર બની ગયું છે. વધતી વસતિ સાથે શહેરનો વિકાસ પણ થયો છે. ગાંધીનગર મહાપાલિકા દ્વારા સેક્ટર-22માં બે મહત્ત્વના પ્રકલ્પોનું લોકાર્પણ થશે, જેમાં 7196 ચોરસ મીટર વિસ્તારમાં 2.48 કરોડના ખર્ચે બગીચાનું આધુનિકીકરણ કરાયું છે, જેની વિશેષતાની વાત કરીએ તો 5100 ચો.મી. ગ્રીન એરિયા, 422 મીટર વોક-વે, કસરતનાં સાધનો, બાળકોનાં રમકડાં અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે

સ્વામિનારાયણ ગુરુકુળ સ્કૂલની સામે આવેલા આ બગીચાનો લાભ આશરે 75 હજાર લોકોને મળી શકશે. સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે 1.31 કરોડના ખર્ચે 50 વ્યક્તિની ક્ષમતાવાળા આધુનિક યોગ હોલનું નિર્માણ કરાયું છે. અહીં લોકર, ચેન્જિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓ ધરાવતા આ સ્ટુડિયોથી સિનિયર સિટિઝન સહિત આશરે એક હજાર નાગરિકોને ઘર નજીક જ ધ્યાન અને પ્રાણાયામની સુવિધા મળશે. ગાંધીનગર મહાપાલિકાએ રોડ નં-6 પર નિર્માણ પામેલા ઓવરબ્રિજ નીચેની ખાલી જગ્યાનો સુઆયોજિત ઉપયોગ કરીને એક અનોખો સ્પોર્ટ્સ ઝોન વિકસાવ્યો છે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ આશરે 500 નાગરિકોને મળશે

સામાન્ય રીતે દબાણ કે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી આ જગ્યામાં 2.07 કરોડના ખર્ચે રમતગમત સંકુલ તૈયાર કરાયું છે. અહીં પિકલબોલ, બાસ્કેટબોલ, વોલીબોલ જેવી આઉટડોર રમતો સાથે ટેબલ ટેનિસ, ચેસ અને કેરમ જેવી ઇન્ડોર રમતો પણ રમી શકાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો લાભ આશરે 500 નાગરિકોને મળશે.

એ જ રીતે સેક્ટર-27ના જર્જરિત બગીચાનું 3.26 કરોડના ખર્ચે નવીનીકરણ કરાયું છે. આ ઉદ્યાનમાં 9300 ચો.મી. ગ્રીન એરિયા, 618 મીટર વોક-વે, 140 મીટર એક્યુપ્રેશર પાથ, એમ્ફીથિયેટર, સ્ટેજ, યોગ પ્લેટફોર્મ, સીસીટીવી અને રમતગમતનાં સાધનોનો સમાવેશ થાય છે. આ બગીચાના નવીનીકરણથી આશરે 70 હજાર નાગરિકોને લાભ થશે. આ વિકાસકાર્યો ગાંધીનગરના નાગરિકોના જીવનમાં પરિવર્તન લાવવા સાથે શહેરના સર્વાંગી વિકાસને વેગ આપશે.

અમિત શાહ 1506 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવવાના છે, ત્યારે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ શહેરમાં 1506 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ગૃહ મંત્રી દ્વારા કરવામાં આવશે. શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવનું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેને નાગરિકો માટે કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા વિકાસ કાર્યોના લોકાર્પણ અંતર્ગત 8 જેટલા સ્થળો ઉપર મુલાકાત લઇ નાગરિકોની સુવિધા માટે લોકાર્પણ કરશે. ગોતા દેવનગર પાસે મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ખાતમુહૂર્ત કરશે અને જાહેર સભાને પણ સંબોધન કરવાના છે.

PM આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા રૂપિયા 1506 કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત ઉપરાંત શહેરના થલતેજ વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 861 અને વાસણા વિસ્તારમાં 509 આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરવામાં આવશે. જ્યારે નારણપુરા વિસ્તારમાં નટના છાપરા ખાતે ઝૂંપડપટ્ટી પુનઃ વિકાસના અંતર્ગત બનાવેલા મકાનોનું લોકાર્પણ અને ડ્રો કરશે. શહેરના બોપલ વિસ્તારમાં બનાવવામાં આવેલા ઇલેક્ટ્રોથર્મ ગાર્ડનનું પણ લોકાર્પણ કરશે તેમજ રાણીપ બલોલનગર નીચે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટરનું પણ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે.

સણાદર ખાતે બનાસ ડેરીના બાયો સીએનજી, પાવડર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરશે. બટાટા પ્લાન્ટની પણ તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવશે. સોઇલ ટેસ્ટિંગ લેબની વર્ચ્યુઅલ નિરીક્ષણ અને એડમીન બ્લોક રેડિયો સ્ટેશનની પણ મુલાકાત લેશે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની પણ મુલાકાત લેવાના છે. સહકારીતા મંત્રાલયની એક બેઠકમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે ત્યારબાદ સાંજે લાખણી ખાતે બનાસ ડેરીના નવનિર્મિત બાયો સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટની મુલાકાત લઇ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરશે. પાલનપુર ખાતે મધ, ઓઇલ અને આટા પ્લાન્ટ વગેરેની પણ મુલાકાત લેશે.

7 તારીખે પણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરના રોજ અમદાવાદના ગોતા દેવનગર ખાતે બપોરે 2 વાગ્યે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત જાહેર સભાને સંબોધન કરવાના છે જેમાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે.

Advertisement