અમદાવાદ પ્લેન ક્રેશમાં તપાસની નિષ્પક્ષતા પર હવે સુપ્રીમ કોર્ટની નજર, કહ્યું- પાયલટનો વાંક કાઢવો કમનસીબી
સુપ્રીમ કોર્ટે આજે 22 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ પ્લેન ક્રેશ મામલે સુનાવણી દરમિયાન પ્રાથમિક રિપોર્ટ લીક થવા બદલ ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે એર ઈન્ડિયા ફ્લાઈટ AI171ના ક્રેશ માટે પાયલટને જવાબરદાર ઠેરવવાના આરોપને કમનસીબી ગણાવ્યો હતો. આ દુર્ઘટનાની તપાસ દરમિયાન રજૂ કરવામાં આવેલા પ્રાથમિક રિપોર્ટ જાહેર થયો હતો. જેમાં મીડિયાએ પાયલટને જવાબદાર ઠેરવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મૌખિક ધોરણે નોંધ્યું હતું કે, અમદાવાદ પ્લેન ક્રેશની તપાસનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરવો દુર્ભાગ્યપૂર્ણ છે. જ્યાં સુધી સંપૂર્ણ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ગુપ્તતા જાળવવી આવશ્યક છે. ઉલ્લેખનીય છે, સુપ્રીમ કોર્ટમાં 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટના મામલે ચાલી રહેલી તપાસનું નિરીક્ષણ કરવા માટે સ્વતંત્ર કોર્ટની માગણી કરતી અપીલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. આ દુર્ઘટનામાં 260 લોકો માર્યા ગયા હતા. જેની સુનાવણી જસ્ટિસ સુર્યકાંત અને એન. કોટિશ્વરસિંહ કરી રહ્યા હતાં.